Site icon Revoi.in

ગુજરાતઃ ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે NDRF ની ટીમો તૈનાત કરાઈ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસુ હવે બરાબરનું જામ્યું છે. મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્કયુલેશનના પગલે રાજ્યમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. આજે સવારથી પાટણ, અમરેલી તેમજ જૂનાગઢમાં વંથલીમાં વરસાદ વરસ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. સવારના 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. તો રાજકોટ જીલ્લાના ધોરાજીમાં સતત ૩ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભાવનગરમાં પણ ધીમી ધારે વરસી રહ્યો છે.

વરસાદ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર એલર્ટ થઇ ગયું છે અને ભારે વરસાદની સ્થિતિમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં NDRFની 8 ટીમો તૈનાત રાખવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે વડોદરાના જરોદ સ્થિત NDRFના હેડક્વાટર્સ ખાતેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ટીમો મોકલવામાં આવી રહી છે. અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છમાં એન ડી આર એફ ની ટીમો મોકલવામાં આવી છે. . આમ રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 8 ટીમો તૈનાત રાખવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને પહોચી વળવા તંત્ર એક્શન મોડ પર સજ્જ છે. છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના ઝોન વાઇસ આંકડાની વાત કરીએ તો કચ્છમાં ૪૭ મીલીમીટર વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 21 મીલીમીટર, મધ્ય ગુજરાતમાં ૪૭ મીમી, સૌરાષ્ટ્રમાં ૬૨ મીમી અને દક્ષીણ ગુજરાતમાં ૯૫ મીમી વરસાદ પડ્યો છે.

(PHOTO-FILE)