- ગુજરાત બાયોટેક દ્વારા ઓમિક્રોનના ટેસ્ટ માટે કીટને વિકસાવવામાં આવી
- કિટને સરકારે આપી મંજૂરી
- આરોગ્ય વિભાગે કીટનો ઉપયોગ શરૂ કર્યો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ફરીથી ચિંતાજનક રીતે વધારો થયો છે. આ ઉપરાંત કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો પણ ગુજરાત ઉપર તોડાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 25થી વધારે કેસ સામે આવ્યાં છે. અત્યાર સુધી ઓમિક્રોનના રિપોર્ટ માટે 3 દિવસ જેટલો સમય લાગતો હતો. જો કે, હવે માત્ર પાંચથી 8 કલાકમાં જ ઓમિક્રોન વેરિએન્ટનો રિપોર્ટ મેળવી શકાશે.
અમેરિકા અને બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ ઓમિક્રોનના કેસ પણ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ કરતા ઓમિક્રોન અનેક ગણો ઝડપથી ફેલાતો હોવાનું સામે આવ્યું છે. જેથી દુનિયાના મોટાભાગના દેશોમાં ઓમિક્રોનના પગલે ભય ફેલાયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 350 જેટલા કેસ સામે આવ્યાં છે. ગુજરાતમાં ઓમિક્રોનનો રિપોર્ટ ઝડપી મળી રહેશે. ઓમિક્રોન વેરિએન્ટનો રિપોર્ટ હવે 5 થી 8 કલાકમાં આવશે.
ગુજરાત બાયોટેક દ્વારા ઓમિક્રોનના ટેસ્ટ માટે કીટને વિકસાવવામાં આવી છે. આ ઓમિક્રોન કિટને મંજૂરી આપવામાં આવ્યા બાદ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની ઓળખ જલ્દી થઇ શકશે. આરોગ્ય વિભાગે આજથી જ કિટનો ઉપયોગ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધી ઓમિક્રોનનો રિપોર્ટ આવતા ત્રણેક દિવસનો સમય લાગતો હતો. જો કે, હવે નવી કીટની મદદથી ઝડપથી દર્દીનો રિપોર્ટ મળી જશે.