ગુજરાતઃ 91.77 લાખ ઘર પૈકી 86.16 લાખ ઘરને નળ મારફતે પીવાનું પુરુ પડાય છે
અમદાવાદઃ જળ જીવન મિશન પહેલા ગુજરાતમાં દર વર્ષે એક થી દોઢ લાખ ઘરો નળથી જોડતા હતા, તે કોવિડની કપરી સ્થિતીમાં આંતરાષ્ટ્રીય બજારમાં પાઇપના ભાવો ખુબ જ વધવા છતા પણ વર્ષ 2020-21માં 10.94 લાખ, ચાલુ વર્ષમાં અત્યાર સુધી 9 લાખ ઘરોને નળ જોડાણ પુર્ણ કરેલ છે અને બાકી રહેતા 5.61 લાખ ઘરોને સપ્ટેમ્બર-2022 સુધીમાં જોડાણ આપી દેવામાં આવશે.
પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ વર્ષે રૂ. 2557 કરોડની રકમ ભારત સરકાર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે મેળવી છે અને આગામી વર્ષમાં પણ રૂ. 2500 કરોડની સહાય ગ્રાન્ટ સ્વરૂપે મેળવશે. તે ધ્યાને લેતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પીવાના પાણીની વ્યવસ્થા સુદ્દ્રઢ કરવા રૂ. 8000 કરોડ ઉપરાંતનું ભંડોળ ઉપલબ્ધ બનવાનું છે. “હર ઘર જલ” યોજના અંતર્ગત તમામ ગામોની આંતરિક વિતરણની યોજનાઓ ચાલુ વર્ષમાં પુર્ણ કરવાનું આયોજન છે. રાજયના 12 જીલ્લાઓ અનુક્રમે પોરબંદર, બોટાદ, ગાંઘીનગર, મહેસાણા, ગીર સોમનાથ, જુનાગઢ, ડાગ, આંણદ, પાટણ, કચ્છ, વડૉદરા અને મોરબી જીલ્લાઓને 100 ટકા “હર ઘર જલ” તરીકે જાહેર કરવામા આવેલ છે. રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં 91.77 લાખ ઘર છે જે પૈકી 86.16 લાખ ઘરને નળ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે.