Site icon Revoi.in

ગુજરાતઃ ચોમાસાની વિદાયની સાથે ખરીફ પાકનું 99 ટકાથી વધારે વાવેતર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. બીજી તરફ રાજ્યમાં ચાલુ વર્ષે 99 ટકાથી વધારે વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. કઠોળનું 102 ટકા જેટલુ વાવેતર થયું છે. જ્યારે તમાકુ, કપાસ, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર વધ્યું છે.

રાજ્‍યમાં ખરીફ પાકના વાવેતરની મોસમ પૂર્ણ થઇ છે. મગફળી બજારમાં આવવા લાગી છે. તા રાજ્‍યમાં કુલ વાવેતર વિસ્‍તાર પૈકી 99.11 ટકામાં વાવેતર થયું છે. આ વર્ષે 85,54,686 હેકટરમાં વાવણી થઈ છે. ગયા વર્ષે આ દિવસ સુધીમાં 84.54 લાખ હેકટરમાં વાવણી થઈ હતી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 1.01 લાખ હેકટરમાં વધુ વાવેતર થયું છે.

સૌથી વધુ વિસ્‍તારમાં કપાસનું વાવેતર થયું છે. ગુજરાતમાં ધાન્‍ય પાકોનું 101.89 ટકા, કઠોળ પાકોનું 92.95 ટકા, તેલીબિયા પાકોનું 96.60 ટકા તથા કપાસ, તમાકુ, શાકભાજી, ઘાસચારો વગેરેનું 90.53 ટકા વાવેતર થયું છે. સૌથી વધુ 25.49 લાખ હેકટરમાં કપાસ વાવવામાં આવ્‍યો છે. તે ગયા વર્ષ કરતા 3 લાખ હેકટર જેટલો વધુ છે. મગફળી ગયા વર્ષે 19.10 લાખ હેકટરમાં વાવવામાં આવ્યું હતું. આ વખતે ઘટીને 17.09 લાખ હેકટરમાં થઇ છે. દીવેલાનું વાવેતર ગયા વર્ષ કરતા વધીને 7.04 લાખ  હેકટરમાં થયું છે.

તુવેરનું વાવેતર ગયા વર્ષના હાલના સમયે 2.33 લાખ હેકટરમાં હતું તે આ વખતે ઘટીને 2.27 લાખ હેકટરમાં થયું છે. તલનું વાવેતર 1 લાખ હેકટરમાં હતું તે ઘટાડા સાથે 72 હજાર હેકટરમાં થયું છે. દીવેલાની વાવણીમાં 70 હજાર હેકટર જેટલો વધારો થયો છે. ગયા વર્ષે રાજ્‍યમાં કુલ વાવેતર કરતા આ વખતે અત્‍યાર સુધીનું વાવેતર 1 લાખ હેકટર જેટલું વધ્‍યું છે.