• ગયા વર્ષે ફીમાં 25 ટકા રાહત અપાઈ હતી
• આ વર્ષે સરકારે કોઈ નિર્ણય લીધો નથી
• સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી પુરી ફીની કરાય છે વસુલાત
અમદાવાદઃ ગુજરતા સહિત સમગ્ર દેશની જનતા છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહી છે. કોરોનાને કારણે લોકોના વેપાર-ધંધાને પણ વ્યાપક અસર પડી છે. તેમજ અનેક લોકો હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. બીજી તરફ ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી પૂરી ફી વસુલવામાં આવી છે. જેથી નારાજ વાલીઓએ અનેકવાર સરકારને ફીમાં રાહત આપવાની માંગણી કરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતા સમગ્ર મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સ્કૂલોમાં 50 ટકા ફીની માંફીની માંગણીની દાદ માંગવામાં આવી છે.
કેસની હકીકત અનુસાર સ્કૂલોમાં 50 ટકા ફી માફી અંગે થયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, કોરોનાને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે એટલું જ નહીં લોકોની આવક ઓછી થતા અનેક લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે. ગયા વર્ષે સરકારના આદેશના પગલે સ્કૂલોમાં 25 ટકા ફી માફી કરવામાં આવી હતી. જો કે, આ વર્ષે ફી માફીને લઈને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ હજુ પણ લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે જેથી વાલીઓ પોતાના સંતાનોની ઉંચી ફી ભરવા અસર્થ છે. જેથી સ્કૂલોમાં ફી ઘટાડા અંગે સરકાર યોગ્ય નિર્ણય લે એવો નિર્દેશ કરવો જોઈએ. આ અરજી ઉપર હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.