Site icon Revoi.in

ગુજરાત પોલીસ લોકોની શાંતિ, સલામતી અને સુરક્ષા તેમજ વિપદાઓમાં પણ સતત કાર્યરત રહે છે: CM

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડમીઝની 12મી કોન્ફરન્સ સભ્ય દેશો માટે પોતાની બેસ્ટ પોલિસીંગ પ્રેક્ટિસને ઉજાગર કરવાનો મંચ બની છે. ટ્રેનિંગ, રિસર્ચ અને પ્રોફેશનલ ડેવલોપમેન્ટ માટે તેમજ ટેકનોલોજી અને ઇનોવેશનને અપનાવવા માટે સહયોગ કરીને આ કોન્ફરન્સ પોલીસિંગને નવા આયામ પ્રદાન કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે 12મી ઇન્ટરપા કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત વિશ્વભરના પોલિસીંગ ફિલ્ડના મહાનુભાવો, તજજ્ઞો અને કર્મીઓને સંબોધન કરી રહ્યા હતા. આ સંદર્ભે તેમણે કહ્યું કે, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમી 63 દેશની 80 પોલીસ એકેડમીઓને સાથે જોડીને પોલિસીંગને વૈશ્વિક સ્તરે નવી દિશા, નવું બળ આપી રહી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પોલીસ બળની જવાબદારી માત્ર સમાજમાં કાનૂન વ્યવસ્થા કે શાંતિ સલામતી જાળવવાની જ નથી. તે ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ, રેસ્ક્યુ અને સેફટી ઓપરેશન્સ તેમજ કુદરતી કે માનવસર્જિત અનેક આપદાઓમાં પણ પોલીસ દળ સતત કાર્યરત રહે છે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા પોલીસ દળમાં બેસ્ટ પ્રેક્ટિસ અને તેના પોઝિટિવ ઇમ્પ્લીમેન્ટેશનને પ્રાથમિકતા આપી છે. વિશ્વની એકમાત્ર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં તેમના દિશા-દર્શનમાં કાર્યરત છે.

મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે, વર્તમાન સમયમાં ક્રાઈમ અને તેનો પ્રકાર બદલાતો જાય છે. સાયબર ક્રાઇમ, ડિજિટલ ફ્રોડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ અને ડ્રગ્સ જેવા દૂષણોએ નવા પડકારો ઊભા કર્યા છે.  ઝીરો ટોલરેન્સની નિતીથી આ પડકારોને પહોંચી વળવા માટે આ કોન્ફરન્સ વિચારોના આદાન-પ્રદાનનોનું માધ્યમ બની રહેશે.

આ કોન્ફરન્સમાં વર્તમાન સમયને અનુરૂપ વિવિધ વિષયો પર જ્ઞાનસત્ર અને ચર્ચા-પરામર્શ થવાના છે તેની પણ મુખ્યમંત્રીએ સરાહના કરી હતી.મુખ્યમંત્રી એન.એફ.એસ.યુ. અને ઇન્ટરપાના સૌ અધિકારીઓને કોન્ફરન્સના ઉત્કૃષ્ટ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ, પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે આ 12મી ઇન્ટરપા કોન્ફરન્સમાં વિશ્વના 31 દેશોના 110થી વધુ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત છે. બીજી વખત આ ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન કરવાનું ગૌરવ NFSUને પ્રાપ્ત થયું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્ર મોદીજીની દૂરંદેશીનના પરિણામે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ભારતની એકમાત્ર સરકારી યુનિવર્સિટી છે, કે જેણે પોતાનું કેમ્પસ વિદેશમાં, યુગાન્ડા ખાતે પ્રારંભ કર્યું છે અને ફોરેન્‍સીક સાયન્સિસમાં વિશ્વખ્યાતી મેળવી છે.  આ યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે જ કાર્ય કરતી નથી, પરંતુ ટ્રેનિંગ અને કન્સલ્ટન્સી પણ પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 82થી વધુ દેશોના ઇન-સર્વિસ પર્સન્સ, પોલીસ ઓફિસર્સને ફોરેન્સિક સાયન્સ સંબંધિત ક્ષેત્રે ટ્રેનિંગ પૂરી પાડવામાં આવી છે.

આ પ્રસંગે ઇન્‍ટરપાના સભ્ય દેશોના તજજ્ઞો, પોલીસ અધિકારીઓ, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર, પ્રો.(ડો.) એસ.ઓ. જુનારે અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.