અમદાવાદઃ અસત્ય ઉપર સત્યના વિજયના પર્વ વિજ્યાદસમીની સમગ્ર રાજ્યમાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા હથિયારોની પૂજા કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસ હેડક્વાર્ટર્સમાં શસ્ત્રપુજા કરીને દશેરા પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે રાજ્યની પોલીસ દશેરા પર્વની રાહ નથી જોઈ. પોલીસે રાજ્યમાં ડ્રગ્સને નાથવા માટે મોટા પાયે અભિયાન શરુ કર્યું છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સને ઝડપી લઈને તેના નેટવર્કને તોડી પાડવા માટે કાર્યવાહી કરી છે. અમે ડ્રગ્સની સામે જંગ છેડી છે અને તેને સંપૂર્ણ રીતે નાબુદ કરીને રહીશું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું. ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદાની બોર્ડરને કોઈ ઓળંગશે તો જરૂરથી નુકસાન થશે. એટલે આ વર્ષે પણ હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે.
રાજ્યમાં ડ્રગ્સને ઝડપી લઈને તેના નેટવર્કને તોડી પાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન તાજેતરમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ગુજરાત પોલીસે મોટુ ઓપરેશન હાથ ધરીને કરોડોનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું.