Site icon Revoi.in

ગુજરાત પોલીસે છ મહિનામાં 4 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપ્યું : હર્ષ સંઘવી

Social Share

અમદાવાદઃ ગુજરાત પોલીસે છેલ્લા છ માસમાં 4,000 કરોડથી વધુનું  ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાતના પોલીસકર્મીઓ રાજ્યના નાગરિકો અને યુવાનોની ચિંતા કરે છે કે તેઓ વ્યસનના ખોટા માર્ગે ન જાય તે માટે અથાક પ્રયત્ન કરે છે, જે ખરેખર સરાહનીય છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરાયેલ લોક ઉપયોગી સેવા e-FIR એ ગુજરાતના નાગરિકો સાથે બનેલા બનાવોને ઝડપથી પોલીસ રેકોર્ડમાં પહોંચાડવા માટેની પહેલ છે. કોઈપણ નાગરિકનું વાહન કે મોબાઈલ ચોરી થાય તો તે ઘટનાની FIR કરવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં 750 થી વધુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે જેથી ગુજરાતના નાગરિકો સરળતાથી પોતાની વાત પોલીસ સમક્ષ મૂકી શકે છે. આ e-FIR  દ્વારા નાગરિકોએ પોતાનો અંગત સમય કાઢીને પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા આંગળીના ટેરવે ” સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ એપ ” પર પોતાની e- FIR નું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેનાથી ગણતરીના કલાકોમાં જ પોલીસકર્મીઓ દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સાથે જ તપાસની પ્રગતિની જાણ પણ SMS દ્વારા ફરિયાદીને પ્રાપ્ત થતી રહેશે.

ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના નાગરિકો અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરાયેલ આ e-FIR નો ઉપયોગ કરશે અને વધુમાં વધુ લોકોને તેનો ઉપયોગ કરવા માટે જાગૃત કરશે જેથી પોલીસકર્મીઓ અને ફરિયાદી બંનેનો સમય ન બગડે.