અમદાવાદઃ પોસ્ટ ગ્રેજયુએશન મેડીકલ રેગ્યુલેશન 2021નાં ડ્રાફટનાં પગલે ગુજરાતની પીજી મેડીકલ સીટોમાં 30 ટકા જેટલો ઘટાડો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. તજજ્ઞોના મતે દેશનાં અન્ય રાજયોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ ઉદભવવાની શકયતા છે. રાજયમાં કુલ 1874 પીજી મેડીકલ બેઠક છે. જો ડ્રાફટમાં પ્રસ્તાવિત કરાયેલા નવા નિયમો લાગુ કરાશે તો રાજયમાં અંદાજે 600થી 700 સીટ ઘટશે. ડ્રાફટમાં જણાવેલા મુદાઓ મુજબ પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓનાં સ્પેશ્યાલીટી યુનિટસમાં પ્રતિ યુનિટ 3થી વધુ સીટ ન હોવી જોઇએ.
તજજ્ઞોના જણાવ્યા અનુસાર, હાલ પ્રતિ યુનિટ 6 સીટ છે. એક એકમમાં એક પ્રોફેસર, સહાયક પ્રોફેસર અને એસોસીએટ પ્રોફેસર હોય છે. સરકાર પીજી મેડીકલ વિદ્યાર્થીઓ માટે સીટોની સંખ્યા વધારવાની યોજના બનાવી રહ્યાં છે ત્યારે આ નવા નિયમો સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓને પાટા પરથી ઉતારી શકે તેવી છે. સંસ્થાના વર્ક લોડને પૂર્ણ કરવા તેમાં એકમની સંખ્યા વધારી શકાય છે. પરંતુ એનએમસીનાં વાર્ષિક એમબીબીએસ પ્રવેશ વિનિમય, 2020 માટે ન્યુનતમ જરૂરીયાતો મુજબ એકમોની ન્યુનતમ સંખ્યાને સીટ માટે ગણતરીમાં ઘ્યાને લેવાશે. આ ડ્રાફટમાં 3 વર્ષનાં પીજી કોર્સ માટે પ્રોફેસરોનો ક્રાઇટેરીયા પણ બદલવાની શકયતા છે. જેથી 2 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરનાં રેશિયોમાં ફેરફાર થશે. અત્યાર સુધી આસિસ્ટનટ પ્રોફેસરની લાયકાત માટે ચાર વર્ષનો અનુભવ જરૂરી હતો. જેમાં હવે પાંચ વર્ષનો અનુભવ તેમજ રિસર્ચ પબ્લિકેશન (છેલ્લા 3 વર્ષમાં) હોવા જરૂરી બનશે. આ ડ્રાફટનો અનેક રાજયોએ વિરોધ કર્યો છે.