Site icon Revoi.in

ગુજરાતઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી નવી દિલ્હી પરત જવા રવાના થયા 

Social Share

અમદાવાદઃ રાષ્ટ્રપતિને ભાવભરી વિદાય આપવા અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સંસદીય બાબતો અને આરોગ્ય મંત્રી ઋશિકેષ ભાઈ પટેલ તથા પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલિક, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે. વગેરે એ પણ અમદાવાદ એરપોર્ટ પર ઉપસ્થિત રહીને રાષ્ટ્રપતિને ભાવસભર વિદાય આપી હતી.

દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે આયુષ્માન ભવ અભિયાનનું ઉદ્ધાટન કર્યું. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવર્ત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ જોડાયા હતા. તેમજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુએ સંબોધન કરતાં તેમણે કહ્યું કે માનવતાની સૌથી મોટી સેવા આરોગ્ય અને ઉપચાર છે. સારું પોષણ અને ઉપચાર સારા પરિણામો તરફ દોરી જાય છે. સાથે જ તેઓએ તેઓએ અંગદાન કરવા માટે પણ લોકોને અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત વન નેશન વન એપ્લીકેશનનું સપનુ સાકાર કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીએ આજે ગાંધીનગર ગુજરાત વિધાનસભા ગૃહમાં રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન એટલે કે નેવાનું લોન્ચિંગ કર્યુ હતુ.આજથી ગુજરાત વિધાનસભા હવે સંપૂર્ણપણે પેપરલેસ બની છે. વિધાનસભામાં ઉપસ્થિત ધારાસભ્યોને સંબોધન કરતા રાષ્ટ્રપતિજીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાએ અનેક ઉતારચઢવ જોયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા પર અને ડિજીટલ વિધાનસભા માટે શુભકામના આપતા રાષ્ટ્રપતિજીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતની ધરા પર આવવું મારા માટે ગર્વની વાત છે. ગુજરાત વિધાનસભાએ અનેક મોટા નિર્ણય કર્યા. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. તેમણે સંબોધન દરમિયાન દૂધ અને વીજળીના ઉત્પાદનમાં ગુજરાતની ઉપલબ્ધિઓને નોંધપાત્ર ગણાવી.