- પીએમ મોદી કચ્છની લેશે મુલાકાત
- ખેડૂતો સાથે કરશે વાતચીત
- અનેક પ્રોજેક્ટની આપશે ભેટ
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં એક દિવસની કચ્છની મુલાકાતે જશે. કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શન વચ્ચે તે કચ્છના ખેડૂત સમુદાયની સાથે મુલાકાત કરશે,જેમાં પંજાબના લોકો પણ સામેલ થશે. એક સત્તાવાર નિવેદનમાં સોમવારે આ માહિતી આપવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન અહીં અલગ –અલગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. અને કચ્છના ધોરાડોના ખેડુતો અને કલાકારો સાથે પણ વાતચીત કરશે. મુખ્ય કાર્યક્રમ પહેલા પીએમ મોદી કચ્છના ખેડૂતો સાથે વાતચીત કરશે.
વડાપ્રધાન મોદી કચ્છના ખાવડામાં બનનાર દુનિયાના સૌથી મોટા રીન્યુએબલ સોલાર પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે.આ પ્લાન્ટની ક્ષમતા 30,000 મેગાવોટ હશે. આ સિવાય પીએમ ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન કચ્છ જિલ્લા મુખ્યાલય ભુજ ખાતે ઉતરશે અને ભુજથી આશરે 80 કિમી પશ્ચિમમાં ખાવડા નજીકના ધોરડો ગામ ખાતે વાર્ષિક રણ ઉત્સવના સ્થળ ટેન્ટ સિટી તરફ ઉડાન ભરશે.
ભારત-પાકિસ્તાન સરહદ નજીક શીખ ખેડૂતોને વડાપ્રધાન સાથે વાતચીત કરવા આમંત્રણ અપાયું છે. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં અને આસપાસ મળીને 5,000 જેટલા શીખ પરિવારો રહે છે. નોંધનીય છે કે, નવા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો મોટા પાયે દિલ્હીની સરહદે પડાવ કરી રહ્યા છે.
સોમવારે ખેડૂતોએ તેમની માંગણીઓના વિરોધમાં દિલ્હીની સિંઘુ બોર્ડર પર એક દિવસ માટે ભૂખ હડતાલ કરી હતી. ખેડુતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેક તબક્કાની વાતચીત થઈ છે,પરંતુ હજી પણ બંને પક્ષો વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. ખેડુતો માંગ કરી રહ્યા છે કે, ત્રણ કૃષિ બિલ પાછા ખેંચવામાં આવે,પરંતુ સરકાર આવી માંગણીઓ પૂરી કરવા તૈયાર નથી.
-દેવાંશી