Site icon Revoi.in

ગુજરાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 31મી ઓક્ટોબરના રોજ ફરી એકવાર ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત આગામી દિવસોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 31 ઓક્ટોબર અને 1લી નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ મુલ્લુપુરમાં 4 પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યા બાદ જાહેર સભાને સંબોધિત પણ કરશે. ત્યારબાદ તેઓ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.  જે બાદમાં તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

પીએમ નરેન્દ્ર મોદી 1લી નવેમ્બરના રોજ માનગઢની મુલાકાત લેશે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ માનગઢ હિલ આદિવાસી સમાજ સુધારક ગોવિંદ ગુરુની ધૂણી માટે પ્રખ્યાત છે. ત્યાં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે. પીએમની માનગઢ ખાતેની મુલાકાતને કારણે આદિવાસી સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રાજ્યકક્ષાના મંત્રી ડો.કુબેર ડીંડોરે માહિતી આપી હતી કે, પહેલી નવેમ્બરના રોજ માનગઢ ખાતે રાષ્ટ્રીય સ્મારકની ઘોષણા પીએમ દ્વારા કરવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માનગઢ ખાતે 1,507 જેટલાં આદિવાસી સુરમાઓ 17 નવેમ્બર 1913ના રોજ અંગ્રેજો સામે લડત લડતા શહિદ થયા હતા.