અમદાવાદઃ કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો (આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર) માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે “કન્વિકશન રેટ : સરકારી વકીલોની ભૂમિકા” વિષય ઉપર યોજાયેલ પરિસંવાદમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો તાત્કાલિક કરી આપવાની જાહેરાત કરી હતી, જે અન્વયે કાયદા વિભાગ ધ્વારા આવા પ્રોબેશન પૂર્ણ થયાના 115 સરકારી વકીલોના હુકમો કરી દેવામાં આવ્યા છે.
સરકારી વકીલોની 2019ની છેલ્લી બેચમાં નિમણૂંક થઇ હતી, તેમણે વર્ગ-ર ના અધિકારી તરીકે સરકારી સેવામાં બે વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ જે પ્રોબેશન પૂર્ણ થયાના આ હુકમો થયા બાદ હવે પછી જે સરકારી વકીલોએ તેમની હિન્દી / સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવાની બાકી છે, તે પાસ કર્યેથી ખુબ જ ઝડપથી તેઓના પણ પ્રોબેશન પૂર્ણ કરતા હુકમો કરવામાં આવશે. કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે,રાજય સરકારની સ્થાયી સૂચના અન્વયે જે સરકારી વકીલો એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવે છે, તેવા કુલ 178 સરકારી વકીલોની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે.