Site icon Revoi.in

ગુજરાતઃ દરિયાઈ ધોવાણને અટકાવવા માટે અમેરિકાની ડિઝાઈન પ્રમાણે પ્રોટેક્શન વોલ બનશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે આવેલા વલસાડ તાલુકાના નાની દાંતી-મોટી દાંતી ગામમાં જમીનને પહોંચતા દરિયાઈ ધોવાણને અટકાવવા માટે રાજ્ય સરકાર યોજના ઘડી રહી છે. રૂપિયા 33. 65 કરોડ ખર્ચે અમેરિકાની કંપનીની ડિઝાઇન આધારે સાગરકાંઠે 1.5 કિ.મી. લાંબી પ્રોટેકશન વોલ ઉભી કરવાની તૈયારી ચાલી રહી છે.

જળસંપત્તિ અને પાણી પુરવઠા, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના રાજ્યના કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે કાર્ય શરૂ થવા પુર્વે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામજનો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. નાની દાંતી અને મોટી દાંતી ગામ વલસાડ તાલુકાના સમુદ્ર કાંઠે અને અંબિકા નદીના મુખ પર આવેલા છે. અહીંના 890 ઘરોમાં અંદાજે 13 હજાર લોકો વસવાટ કરે છે. ગામનો અંદાજિત ખેતીલાયક વિસ્તાર 150 હેકટર છે.

જમીન ધોવાણ અટકાવવા સરકાર પગલાં લઇ રહી છે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું, કે ગુજરાતમાં પહેલીવાર, અમેરિકાના એન્જિનિયર દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઈન આધારે  પીલે પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરીને ફેબ્રિક સીટની આગળ મોટા પથ્થરોનું આર્મર લેયર  ઉભુ કરીને પ્રોટેક્શન વોલ તૈયાર કરવામાં આવશે. ગોવા પછી હવે ગુજરાતમાં આવી પ્રોટેકશન વોલ પ્રથમવાર ઉભી થવા જઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દરિયામાં ભરતી તેમજ વાવાઝોડાને પગલે દરિયામાં ઉંચા મોજા ઉઠવાને કારણે સાગરકાંઠા વિસ્તારના ગામોમાં દરિયામાં પાણી ઘુસતા હોવાની ઘટના બને છે. જેથી દરિયાના પાણીને આગળ વધતા અટકાવવા માટે દિવાલ બનાવવામાં આવી રહી છે.