ગુજરાત પબ્લિક કોમન યુનિવર્સિટી એક્ટને રાજ્યપાલે આપી મંજુરી, હવે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન બહુમતીથી પસાર કરવામાં આવેલા યુનિવર્સિટી એક્ટને રાજ્યપાલે મંજૂરી આપતા હવે કાયદાના અમલ માટે રાજ્ય સરકાર નોટિફિકેશન જાહેર કરશે. આ ખરડો કાયદાનું સ્વરૂપ લેતા રાજ્યની 11 જેટલી સરકારી યુનિવર્સિટી માટે તબક્કાવાર બદલાવ આવશે. યુનિવર્સિટીઓ માટે સ્ટેચ્યુટરી રેગ્યુલેશન વિભાગ દ્વારા આ અંગેના નિયમો જાહેર કરવામાં આવશે. એક્ટમાં પાછળથી કરેલા સુધારા મુજબ સરકાર શબ્દ દૂર કરી રાજ્યપાલ શબ્દ રાખવામાં આવ્યો છે એટલે કે 11 યુનિવર્સિટિના કુલપતિ તરીકે રાજ્યપાલની નિયુક્તિ જ થશે.
ગુજરાત પબ્લીક કોમન યુનિવર્સિટી એક્ટ સામે ભારે વિરોધ ઊભો થયો હતો. અધ્યાપક મંડળો તેમજ એએસયુઆઈ સહિત વિદ્યાર્થી સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો, ભાજપ સરકારે ગુજરાત વિધાનસભામાં કોમન યુનિવર્સિટી એક્ટના બિલને મંજુરી માટે મુકાતા કોંગ્રેસના વિરોધ વચ્ચે બહુમતીથી બિલને મંજુરી મળી હતી. ત્યારબાદ રાજ્યપાલે પણ બીલને મંજુરી આપી દેતા હવે જાહેરનામું બહાર પાડતાં જ નવો કાયદો અમલમાં આવી જશે. સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી સહિત યુનિવર્સિટીઓનો એક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે બાદમાં રજૂઆત થતા નરસિંહ મહેતા તેમજ ગુરુ ગોવિંદ, અને આંબેડકર યુનિવર્સિટીનો પણ નવા એક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ એક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં વિવિધ ઓથોરિટીઝની પણ જોગવાઈ કરાઇ છે. જે અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ યુનિવર્સિટીની મુખ્ય નિર્ણંયકર્તા અને પોલિસી મેકિંગ ઓથોરિટી હશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ બોર્ડ ઓફ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ રોજિંદા વહીવટ અને જરૂરી ફરજો નિભાવશે. એકેડમિક કાઉન્સિલ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ, મૂલ્યાંકન અને શૈક્ષણિક નીતિઓ ઘડવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવશે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દ્વારા કોલેજના અધ્યાપકો, આચાર્યો, યુનિવર્સિટીના પ્રોફેસરો, અધ્યક્ષોની નિમણૂકમાં 33 ટકા મહિલા સભ્યોની જોગવાઈ કરવામા આવી છે. યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટને સ્થાને બોર્ડ ઓફ મેનેજમેન્ટ કાર્યરત બનશે.નવા અભ્યાસક્રમો, સંસાધન અને સંશોધનને વેગ મળશે. યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે. ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્ય ક્રમો પણ ચલાવી શકશે.