અમદાવાદઃ જૂન મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસશે, જો કે, હાલ પ્રિ-મોનસુન એક્ટિવીટી ચાલુ થઈ હોવાનું હવામાન તજજ્ઞો માની રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 10 વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા. આ ઉપરાંત લીંબડીમાં વીજળી પડવાથી એકનું મોત થયું હોવાનું જાણવા મળે છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર થશે. જેમાં પવનની ગતિ પણ 30થી 40 KM પ્રતિ કલાકની રહી શકે છે. બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારમાં મોટાપાયે તેની અસર જોવા મળશે. 10 જૂન સુધી કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે.
થન્ડર સ્ટોર્મની અસર મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં જોવા મળી હતી અને 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભીંજાયા હતા. અમરેલી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના લાઠીમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અમદાવાદના ધંધુકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઈંચ અને લીંબડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. થન્ડર સ્ટોર્મની અસરના ભાગરૂપે પાટણ જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો હતો. ભારે પવન સાથે પડેલ વરસાદમાં 10 થી વધુ મકાનોના પતરા ઉડ્યા હતા.
(PHOTO-FILE)