Site icon Revoi.in

ગુજરાત રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના નેતા બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાએ નોંધાવી ઉમેદવારી

Social Share

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો ઉપર આગામી તા. 24મી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે, દરમિયાન ભાજપાએ આજે વધારે બે ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. દરમિયાન ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિશેષ ઉપસ્થિત રહી ભવ્ય વિજય માટે શુભકામના પાઠવી હતી. બંને નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેસ, સીઆર પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

ભાજપના ઉમેદવાર બાબુભાઈ દેસાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ જણાવ્યું હતું કે, ભાજપ શિક્ષણ સહિતના મહત્વના એજન્ડાઓ ઉપર કામગીરી કરી રહ્યું છે, ભાજપના શાસનમાં સતત વિકાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોમાં અમે પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરીશું. દરમિયાન અન્ય ઉમેદવાર કેસરીસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સામાન્ય કાર્યરકની રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થઈ છે. આ માત્ર ભાજપમાં જ શક્ય બને છે. અમે દેશના વિકાસમાં વધારો થાય તેવા સતત પ્રયાસો કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. છેલ્લા પાંચ વર્ષથી ડો. એસ.જયશંકર રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું નથી. રાજ્યસભાની આ ત્રણેય બેઠક ઉપર ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ જાહેર થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  નોમિનેશનની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ છે. જ્યારે 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.