ગુજરાતનો કુલ બજેટમાંથી શિક્ષણ સેવાઓ પાછળ ખર્ચમાં દેશમાં 20મો ક્રમ, પ્રથમક્રમે દિલ્હી
ગાંધીનગરઃ દેશભરમાં શિક્ષણ પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે. દરેક રાજ્ય પોતાની જરૂરિયાત મુજબ શિક્ષણ સેવાઓ પાઠળ ખર્ચ કરે છે. જેમાં ગુજરાત સરકાર શિક્ષણ પાછળ જે ખર્ચ કરે છે. તેનો દેશમાં 20મો ક્રમ છે. રાજ્ય સરકારના કુલ બજેટમાંથી શિક્ષણ સેવાઓ પાછળ ફાળવાતા બજેટનો હિસ્સો જોઇએ તો દેશના 31 રાજ્યો અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો પૈકી ગુજરાતનો ક્રમ છેક વીસમો છે, તેની સાપેક્ષે દિલ્હી ટોચ પર છે. વર્ષ 2022-23ના સુધારેલા અંદાજપત્રના આંકડાઓ ચકાસીએ તો ગુજરાત પોતાના કુલ બજેટનો માત્ર 12.7 ટકા હિસ્સો શિક્ષણ માટે ખર્ચ કરે છે, તેની સામે દિલ્હી 20.5 ટકા એટલે કે કુલ બજેટનો પાંચમો ભાગ શિક્ષણ સેવાઓ પાછળ ખર્ચે છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કુલ બજેટ પૈકી શિક્ષણ પાછળ થતાં ખર્ચની સરેરાશ ટકાવારી 13.6 ટકા છે અને આ જોતાં ગુજરાત સરેરાશ કરતાં પણ ઓછો ખર્ચ કરે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની વર્ષ 2023-24ના અંદાજ પ્રમાણે કુલ જીડીપી આવક 25.63 લાખ કરોડ આંકવામાં આવી છે, તેની સામે ગુજરાત સરકાર શિક્ષણ પાછળ નવા નાણાંકીય વર્ષમાં 36,435 કરોડ રૂપિયા ખર્ચ કરશે જે જીડીપીના 1.42 ટકા જેટલું જ થવા જાય છે. આ સાથે માધ્યમિક શિક્ષણમાં સૌથી વધુ ડ્રોપ આઉટ ધરાવતા રાજ્યમાં ગુજરાત પાંચમાં નંબરે છે.આ સાથે ટોપ 4માં ઓડિશા, બિહાર, આસામ અને પશ્ચિમ.બંગાળ છે. ગુજરાતમાં શિક્ષણ વિભાગના કુલ બજેટમાંથી 4,792 કરોડ રૂપિયાનો ખર્ચ પેન્શન તથા નિવૃત્તિના અન્ય લાભો તથા બીજી જવાબદારીઓ પરના વ્યાજના ચૂકવણા પાછળ થશે. આમ આ રકમનું પ્રમાણ શિક્ષણના કુલ ખર્ચની સામે 12 ટકા જેટલું થઇ જશે. ગુજરાત પોતાના કુલ બજેટનો માત્ર 12.7 ટકા હિસ્સો શિક્ષણ માટે ખર્ચ કરે છે, તેની સામે દિલ્હી 20.5 ટકા એટલે કે કુલ બજેટનો પાંચમો ભાગ શિક્ષણ સેવાઓ પાછળ ખર્ચે છે. જ્યારે આસામ 19.6 ટકા, છતીસગઢ 17.8 ટકા, હિમાચલ પ્રદેશ 17.6 ટકા, ખર્ચ કરે છે. એટલે કે ગુજરાતથી જે રાજ્યો ઓછા સમૃદ્ધ છે છતાં પણ શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો પણ વધુ છે. ઉપરાતં શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. ગામડાંમાં ઘણીબધી શાળાઓમાં પુરતા વર્ગ ખંડો પણ નથી.