કસ્ટોડીયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે: છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં મોત
અમદાવાદઃ ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન અને સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથ અંગે ગુજરાત લૉ-કમીશનનો અહેવાલ પોલીસ તંત્રની અમાનવીય કામગીરીને ઉજાગર કરે છે. ગાંધી- સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું,
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સભ્ય સમાજ યાને સિવિલ સોસાયટી એ કાયદાના શાસન (RULE OF LAW)થી ચાલે છે. પરતું ભાજપ સરકારમાં થતા કસ્ટોડીયલ ડેથ એ ‘AN ABUSE OF POWER’ને વારંવાર ખુલો પાડી રહ્યો છે. ગુજરાત લો-કમીશનના અહેવાલમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું છે કે, પોલીસ તંત્રની કામગીરી પર વારંવાર પ્રશ્નાર્થ ઉભો થાય છે, કારણ કે પોલીસ કર્મચારીઓ બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરી રહ્યાં છે. અને રક્ષકને બદલે ભક્ષકની કામગીરી કરી રહ્યાં છે. ન્યાયતંત્રમાં વિશ્વાસ ટકી રહે તે માટે પણ તટસ્થ અને પારદર્શક તપાસ થવી જોઈએ. માનવ અધિકારનું સન્માન અને માવ અધિકારના ઉલ્લંઘનને રોકવા માટે માનવ અધિકાર કાયદાનો કડક અમલ થવો જરૂરી છે. માનવ અધિકારનું સન્માન એ સુશાસનના કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. લોકતંત્રમાં રાજ્ય સરકારની જવાબદારી બને છે. કે, માનવ અધિકારનું સંરક્ષણ અને માનવ અધિકારને પ્રોસાહીત કરવાનું કામ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકારે કસ્ટોડીયલ ડેથ રોકવા માટે પોલીસ તંત્રમાં સતત સુધારા પણ કરવા જોઈએ અને પોલીસ તંત્રને સંવેદનશીલ બનાવવું બંધારણીય જવાબદારી છે.
કોંગ્રેસના પ્રવક્તાઓ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના 24 જુલાઈ 2015ના ચુકાદામાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે આદેશ છતાં ગુજરાતમાં 130 પોલીસ સ્ટેશનમાં આજદિન સુધી સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા નથી. સી.સી.ટી.વી. કેમેરા લગાવવાથી માનવ અધિકારના ઉલ્લંઘનને રોકી શકવામાં મદદ મળી શકે અને સત્તાધિશોને શિસ્ત જાળવવામાં મદદરૂપ થાય છે. સુપ્રીમકોર્ટના ચુકાદા પછી જો રાજ્ય સરકાર સી.સી.ટી.વી. કેમેરા લગાવ્યા હોત તો અનેક કિસ્સામાં કસ્ટોડીયલ ડેથ રોકી શકાયા હોત. ઘણાં કિસ્સામાં સી.સી.ટી.વી. કેમેરા લાગેલા હોવા છતાં કાર્યરત નથી તે ઘણી ચિંતાનો વિષય છે. છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને લીધે આરોપીઓનાં મોત થયા છે. ગુજરાતમાં સતત ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન થઇ રહ્યું છે જે ચિંતાનો વિષય છે. વર્ષ 2022માં જ ગુજરાતમાં સૌથી વધુ 24 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગના સત્તાવાળાનો અસંવેદનશીલ – અમાનવીય ચહેરો ખુલ્લો કરે છે.
તેમણે ઉમેર્યુ હતુ.કે, ગુજરાતમાં વર્ષ 2017-18માં 14, તથા વર્ષ 2018019માં 13, અને વર્ષ 2019-20માં 12 તેમજ વર્ષ 2021-22માં 24 કસ્ટોડીયલ ડેથની ઘટના બની હતી, કોરોનાકાળના વર્ષ 2019-20 કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22માં 24 ઘટનો સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.