Site icon Revoi.in

દેશમાં ગુડ ગવર્નન્સ અને રોજગાર સર્જનમાં ગુજરાત પ્રથમ નંબરેઃ મુખ્યમંત્રી

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સુશાસન સપ્તાહ અંતર્ગત અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતે સમગ્ર દેશમાં ગુડ ગવર્નન્સ આંકમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તેમણે કહ્યું કે,  કોઈ પણ રાજ્ય- રાષ્ટ્રના વિકાસ માટે પાયાની શરત એ ગુડ ગવર્નન્સ છે. અને ગુજરાતે ગુડ ગવર્નન્સના ક્ષેત્રે નવા માપદંડો પ્રસ્થાપિત કર્યા છે. તેમણે ઉમેર્યું કે, અર્થવ્યવસ્થા, માનવ સંસાધન, માળખાગત સુવિધા, સમાજ કલ્યાણ અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

મુખ્યમંત્રીએ સુશાસન સપ્તાહ નિમિત્તે ભૂતપૂર્વ વડાપ્રધાન  અટલબિહારી વાજપેયીનું પણ સ્મરણ કર્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શ્રમમેવ જયતેનું સૂત્ર આપી શ્રમનો મહિમા વધાર્યો છે અને યુવાનોના બાવડાના બળે આત્મનિર્ભર ભારત અને નયા ભારતનો સંકલ્પ કર્યો છે. તેમણે આ અવસરે એમ પણ ઉમેર્યું કે,  નરેન્દ્રભાઈએ “હર હાથ કો કામ, હર કામ કો સન્માન” નું સૂત્ર ચરિતાર્થ કર્યું છે.

મુખ્યંમંત્રીએ ગૌરવભેર જણાવ્યું કે, નવી સદીનો આ કાળખંડ ભારત માટે નવી તકો લઈને આવ્યો છે ત્યારે વડાપ્રધાનના નેતૃત્વમાં આપણે યુવાશક્તિને કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા જેવા અભિયાન થકી વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરી રહ્યા છીએ.

મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સ્કીલ હ્યુમન રિસોર્સ એ આજના સમયની આવશ્યકતા છે અને ગુજરાત તે દિશામાં મક્કતાથી આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પગલે ગુજરાતમાં ઉદ્યોગો સ્થપાતા કૌશલ્યવાન યુવાનોની જરૂરિયાત ઉભી થઈ છે, ત્યારે તેને અનુલક્ષીને ગુજરાત સરકારે નવા અભ્યાસક્રમો પણ શરુ કર્યા છે. સુશાસન સપ્તાહમાં આજનો દિવસ આપણે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારને સમર્પિત કર્યો છે. મુખ્યમંત્રીએ આ અવસરે ગુજરાતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા છે એવી શ્રમ-શાંતિ એટલે કે લેબર પીસનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સુશાસન સપ્તાહના છઠ્ઠા દિવસે આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રોજગાર નિમણૂંક પત્રો તથા એપ્રેન્ટિસશીપ કરારપત્રોનું વિતરણ , એપ્રેન્ટિસ સ્ટાઈપેન્ડ રિએમ્બર્સમેન્ટ મોડ્યુલનો શુભારંભ, આઈ.ટી.આઈ સંસ્થાકીય સ્ટાઈપેન્ડનું ડિજિટલ ગુજરાતપોર્ટલ પર લોન્ચિંગ , આઈ.ટી.આઈના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને ઈ-શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં 33 સ્થળોએ રોજગાર વિતરણ પત્ર અને ઈ-શ્રમ કાર્ડના વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના અંદાજિત ૫૦ હજાર યુવાનોને રોજગાર નિમણૂક પત્રો અને આશરે ૩૦ હજાર યુવાનોને એપ્રેન્ટીસ કરાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે પણ પ્રતીકરૂપે યુવાનોને રોજગાર પત્રને એપ્રેન્ટીસ પત્રથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.