અમદાવાદઃ ગુજરાતમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેમાં નર્મદાની સિંચાઈનો લાભ મળતા મોટાભાગના ખેડુતો હવે ખરીફ, રવિ, અને ઉનાળું પાકનું સારૂએવું ઉત્પાદ મેળવી રહ્યા છે. જેમાં તેલીબીયા તથા ફાઈબરના ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ડંકો યથાવત રહ્યો છે અને સમગ્ર દેશમાં ઉત્પાદનમાં પ્રથમ નંબરે રહ્યું છે. જો કે, ખાંડ, કઠોળ, ફીશરીઝ, વન્ય ચીજો વગેરેના ઉત્પાદનમાં ટોપ-ફાઈવ રાજયોમાં સ્થાન મળી શકયુ નથી. જ્યારે શાકભાજી અને ફળફળાદીના ઉત્પાદમાં ગુજરાત પાંચમાં સ્થાને છે.
કેન્દ્ર સરકારના સ્ટેટેસ્ટીક તથા કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા રીપોર્ટ પ્રમાણે ગુજરાતનો તેલીબીયાના ઉત્પાદનમાં 20 ટકા હિસ્સો છે અને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. છેલ્લા એક દાયકાથી ગુજરાતનું આ સ્થાન યથાવત રહ્યું છે. આ ઉપરાંત ફાઈબર ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ઘટયો હોવા છતાં ઉત્પાદન મૂલ્યની દ્દષ્ટિએ હજુ સમગ્ર દેશમાં ટોચના ક્રમે રહ્યું છે. 2011-12માં ગુજરાતમાં ફાઈબર ઉત્પાદન સમગ્ર દેશનું 40 ટકા હતું તે 2020-21માં ઘટીને 25.4 ટકા રહ્યું છે છતાં સૌથી વધુ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ યથાવત રહ્યો છે. આ ઉપરાંત શાકભાજી-ફળફળાદીના ઉત્પાદનને લાગેવળગે છે ત્યાં સુધી સમગ્ર દેશમાં ગુજરાત પાંચમા સ્થાને છે. ભારતમાં શાકભાજી-ફ્રુટના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 6.8 ટકા છે અને ઉત્પાદનમાં સમગ્ર દેશમાં પાંચમુ સ્થાન ધરાવે છે. એક દાયકા પુર્વે શાકભાજી-ફ્રુટ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 6.5 ટકા હતો.
ગુજરાતમાં ખાંડના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ રહી છે છતાં ટોપ-ફાઈવ રાજયોમાં સમાવેશ નથી પણ 6ઠ્ઠા સ્થાને છે. મંત્રાલય દ્વારા 2011-12થી 2020-21ના એક દાયકામાં કૃષિ-વન્ય ચીજો અને ફીશરીઝના ઉત્પાદન-મુલ્યમાં રાજયોના હિસ્સા-ક્રમ સંબંધીત રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. કઠોળ, પશુધન, વન્ય પ્રોડકટ, ફિશ પ્રોડકટ વગેરેના ઉત્પાદનમાં ટોપ-ફાઈવ રાજયોમાં ગુજરાતનું સ્થાન નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તેલીબીયા ઉત્પાદનમાં દાયકાઓથી ગુજરાતનો દાવો છે. જ્યારે મગફળી અને કપાસના પાક માટે દુનિયામાં નામના ધરાવે છે.