અમદાવાદઃ ગુજરાતમાં પુરૂષ અને સ્ત્રી વચ્ચેના રેશિયામાં અસમાનતા જોવા મળી રહી છે. જો આ સ્થિતિ રહી તે ભવિષ્યમાં દીકરાઓ માટે કન્યાઓ શાધવામાં ખૂબ મુશ્કેલી પડશે. હાલ રાજ્યમાં 1000 બાળકો (મેલ)ના જન્મ સામે બાળકીઓ (ફીમેલ)નો જન્મદર 909 છે. જેમાં કેટલાક સમાજમાં દીકરીઓનો જન્મ દર ચિંતાજનકરીતે ઘટી રહ્યો છે. બાળકીઓનાં જન્મદર તથા સેકસ રેશીયોમાં ગુજરાત નીચલા ક્રમેથી 3જા નંબરે છે. કેન્દ્ર સરકારનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 1000 બાળકોનાં જન્મની સાથે બાળકી-છોકરીઓની સંખ્યા 909 જ છે.
કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ દેશમાં 1000 બાળકોએ બાળકીઓનો સૌથી ઓછો 880 જન્મદર મણીપુરમાં છે.બીજા ક્રમે 898 દીવ-દમણ દાદરાનગર હવેલીનો છે. ત્રીજો ક્રમ ગુજરાતનો છે. ગુજરાતનાં પાડોશી રાજયો રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં સ્થિતિ ઘણી સારી છે. રાજસ્થાનમાં 1000 બાળકો સામે બાળકીઓનો જન્મદર 952 તથા મધ્યપ્રદેશમાં 921 છે. 2019 માં ગુજરાતમાં 910 ના, સૌથી ઓછો સેકસ રેશીયો હતો.ત્યારબાદ આસામ 903, મધ્યપ્રદેશ 905 તથા જમ્મુ-કાશ્મીર 909 નો ક્રમ આવતો હતો. 2008 માં 897 બાળકીઓના જન્મદર સાથે ગુજરાત પાંચમા સ્થાને હતુ.
કેન્દ્ર સરકારના રિપોર્ટને ટાંકીને સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગામડાંઓમાં બાળકીઓનો જન્મદર 929 જયારે શહેરી ક્ષેત્રોમાં 901 છે. સૌથી ઓછો 870 ના જન્મદર બોટાદમાં 870, દેવભુમિ દ્વારકામાં 889, ગીર સોમનાથમાં 898 છે. જયારે શહેરી વિસ્તારોમાં સૌથી ઓછો છે. 858 મહેસાણામાં 270 તથા 865 સુરતમાં છે.રીપોર્ટમાં એવો નિર્દેશ કરાયો છે કે સૌથી ઓછો જન્મદર મહેસાણા તથા સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં છે. મહત્વની વાત એ છે કે આદિવાસી વિસ્તારોમાં પણ બાળકીઓનાં જન્મદરમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2011 માં તાપી જિલ્લામાં બાળકો સામે 953 બાળકીઓનો જન્મ 2020 માં માત્ર 889 રહ્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે વાલીઓ એક જ બાળકની નીતિ અપનાવવા લાગ્યા છે. ઉપરાંત ફર્ટીલીટી (ફળદ્રુપતા)પણ ઘટી રહી છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના 2019-20 ના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મહિલા દીઠ બાળકોની સંખ્યાની 1.9 ની છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં 2001 માં 1000 બાળકો સામે બાળકીઓનો જન્મદર 886 છે. 2011 માં 890 હતો. સરકારે સ્ત્રી જન્મદર વધારવા, ભ્રુણહત્યા રોકવા ગર્ભપરિક્ષણ પર રોક સહિતનાં પગલા લીધા છે.નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે જાતિને ભેદભાવ દુર કરવા માટે હજુ શ્રેણીબદ્ધ અને વિવિધ મોરચે પગલા લેવાની જરૂર છે. શિક્ષિત સમાજમાં પણ આજે પણ દીકરીઓ કરતા દીકરાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.