Site icon Revoi.in

વિકસીત ભારત @ 2047 સાકાર કરવામાં ગુજરાત લીડ લેવા સજ્જ છે: મુખ્યમંત્રી

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત લીડ લેવા સજ્જ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશમાં સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન પર છે. સૌ સાથે મળીને ક્વોલિટી વર્ક, સામાન્ય માનવીના હિતોને કેન્દ્રમાં રાખીને નીતિ ઘડતર અને તેના અમલમાં વડાપ્રધાનના દિશાદર્શનમાં દેશના આ અમૃતકાળથી આઝાદીની શતાબ્દી ૨૦૪૭ સુધી સદાય લીડ લેવાના નિર્ધાર સાથે આપણે વિકાસ રાહે આગળ વધ્યા છીએ. મુખ્યમંત્રી રાજ્યવ્યાપી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રૂ. ૨૦૦૦ કરોડથી વધુના લોકાર્પણ ખાતમૂર્હત અવસરે સંબોધન કરી રહ્યા હતા.

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના ૧૪માં મુખ્યમંત્રી તરીકે ૦૭ ઓક્ટોબર ૨૦૦૧ના શપથ લઈને ગુજરાતની વિકાસ યાત્રાને નવી દિશા આપીને જે નવા સીમાચિહ્ન સર કરાવ્યા તેને ૨૩ વર્ષ ૦૭ ઓક્ટોબર ૨૦૨૪ના પૂર્ણ થયા છે. વડાપ્રધાનના સુશાસન નેતૃત્વની આ ૨૩ વર્ષની સફળતાને રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ દ્વારા વિવિધ વિકાસ કામોથી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી યોજાનારા આ વિકાસ સપ્તાહ અંતર્ગત તેમણે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં પાણી પુરવઠા, ઊર્જા, શહેરી વિકાસ, માર્ગ મકાન, જળ સંસાધન અને ગૃહ વિભાગના મળીને ૧૬ કામોના લોકાર્પણ તથા ૧૪ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે ઉમેર્યું કે, ગુજરાતની અલગ રાજ્ય તરીકે ૧૯૬૦માં સ્થાપના થઈ ત્યારથી લઈને ૨૦૦૧ સુધીનો અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીનો વર્તમાન વિકાસ જોઈએ તો સ્પષ્ટ ખ્યાલ આવે કે વિઝનરી નેતૃત્વ, રાજકીય ઈચ્છાશક્તિ અને નાનામાં નાના માનવીને કેન્દ્રમાં રાખી સૌના કલ્યાણ માટેની પ્રતિબદ્ધતાથી કેટલી સ્પીડ અને કેટલા સ્કેલનો વિકાસ થઈ શકે. તેમણે કહ્યું કે, પડકારોને તકમાં પલટાવવાની કાર્ય સંસ્કૃતિ અને સંસ્કાર નરેન્દ્ર મોદીએ આપણા સૌમાં કેળવ્યા છે. ગુજરાત આજે રિન્યુએબલ એનર્જીનું હબ બન્યું છે અને સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં સાકાર થઈ રહ્યો છે એટલું જ નહીં, સોલાર એનર્જીને પરીણામે વીજળી પણ સરળતાએ અને સસ્તી મળે છે.

ભૂપેન્દ્ર પટેલ એમ પણ જણાવ્યું કે, પાણી, વીજળી, રોડરસ્તા જેવી પાયાની સુવિધાઓ છેક છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું આયોજન નાણાંકીય વ્યવસ્થાપનથી સાકાર થયું છે. નદીઓને વિકાસ સાથે જોડીને રિવરફ્રન્ટની તેમની સંકલ્પનાને હવે રાજ્યના નગરો પણ પોતાના નગરોમાં રિવરફ્રન્ટ દ્વારા સાકાર કરવા આગળ આવી રહ્યા છે તેની પણ મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રે ડિઝીટલ સ્માર્ટ ક્લાસ રૂમ, કન્યાકેળવણી અભિયાનથી દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયોમાં સતત ઘટાડો તથા સ્વાગત ઓનલાઇનના ટેકનોલોજી યુક્ત અભિગમથી લોક પ્રશ્નોનું સત્વરે નિવારણ જેવા જનહિત કાર્યોમાં નરેન્દ્રભાઈના દિશાદર્શનથી સફળતાના કીર્તિમાન અંકિત થયાં છે.

તેમણે ઉમેર્યું કે, આ બધી જ સફળતાના મૂળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોને સાથે રાખીને વિકાસની આપેલી સફળ દિશા અને જનતાજનર્દનમાં મુકેલો વિશ્વાસ છે. આપણે આજ વિશ્વાસને પરિપૂર્ણ કરીને વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત બનાવવું છે. આ માટે દર વર્ષે વિકાસ સપ્તાહના આયોજનથી સર્વગ્રાહી વિકાસના નવા સીમાચીહ્નો સર કરવા છે તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.