ગુજરાતમાં અષાઢ મહિનો પૂર્ણ થતાં પહેલા જ 68 ટકા વરસાદ વરસી ગયો, વેધર વોચ ગૃપની બેઠક મળી
ગાંધીનગરઃ રાજ્યમાં અષાઢ મહિનામાં જ એટલે કે ચોમાસાના પ્રથમ મહિનામાં 68 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જે ગત વર્ષમાં અષાઢ મહિનામાં પડેલા વરસાદની તુલનાએ બે ગણો વરસાદ નોંધાયો છે. ચોમાસા દરમિયાન ચાલુ સિઝનમાં સર્વત્ર વરસાદના પરિણામે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 67.84 ટકા એટલે કે ગત વર્ષ જુલાઇ-2021ની સરખામણીએ ડબલ-બેગણો વરસાદ નોંધાયો છે. તેમ આજે ગાંધીનગર ખાતે રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું.
રાહત કમિશનર પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાહત કમિશનરે સંબંધિત અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મુખ્ય ડેમ-જળાશયમાં પાણીની આવક-જાવક અને વર્તમાન સ્ટોરેજની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં વધુ વરસાદવાળા જિલ્લામાં થયેલી રાહત સહિતની કામગીરી સંદર્ભે વિગતો મેળવી ચર્ચા-વિચારણા પણ કરી હતી.
હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં થયેલા વરસાદના આંકડા તેમજ આગામી સમયમાં વરસાદની સ્થિતિ અંગેની વિગતો રજૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલમાં 128.68 મીટર એટલે કે 59.95 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના 54 ડેમ-જળાશય હાઇ એલર્ટ, 7 એલર્ટ અને 16 જળાશયોમાં વોર્નિંગ જાહેર કરાયા છે. આ બેઠકમાં રાહત નિયામક સી.સી. પટેલ, ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અઘિકારીઓ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.