Site icon Revoi.in

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમના વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો

Social Share

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થયો છે. દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમનું ધૂમ વેચાણ થયાનું જાણવા મળે છે. રાજ્યમાં ઉનાળામાં મોટાભાગના દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. જેથી લોકોએ ગરમીમાં રાહત મેળવવા માટે બરફનો ગોળો અને આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓ આરોગી હતી. બીજી તરફ કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો આઈસ્ક્રીમ ઉત્પાદકોએ ચાલુ વર્ષે આઈસ્ક્રીમની માગમાં 30 ટકાનો વધારો થયાનો દાવો કરાયો છે.

આઈસ્ક્રીમ ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, કોરોના લહેર વખતે આઇસ્‍ક્રીમનો ધંધો સાવ તળીયે ગયો હતો પણ આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ૩ ગણો ધંધો થયો છે. આ વર્ષે આઇસ્‍ક્રીમના ભાવો બે વખત વધવા છતા આઇસ્‍ક્રીમના વેચાણે પાછલા બધા રેકોર્ડ તોડી નાખ્‍યા છે, ગત બે વર્ષો કરતા આ વર્ષે લોકો લોકડાઉન કે પ્રતિબંધોના ભય વગર છૂટથી ફરી રહ્યા હતા. આના કારણે ઘર કરતા બહારનું વેચાણ વધારે થયું છે. જો કે ઘરમાં પણ આઇસ્‍ક્રીમની ખપતમાં વધારે ગતિ આવી છે અને આ સેગમેન્‍ટમાં પણ વેચાણ ઓલટાઇમ હાઇ રહ્યું છે. આ વર્ષે વહેલા શરૂ થયેલ ઉનાળાએ આઇસ્‍ક્રીમના વેચાણને ગતિ આપી હતી. આ વખતે આઇસ્‍ક્રીમ ઇન્‍ડસ્‍ટ્રીમાં જે લોકોએ પોતાના ઉત્‍પાદનમાં અવનવા ટેસ્‍ટ લાવ્‍યા તેમણે સારો ધંધો કર્યો છે. આઇસ્‍ક્રીમના વધતા ભાવો એક પડકાર હતો તેમ છતા ધંધો સારો રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમી પડી હતી. જેથી લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. જો કે, હવે ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના અનેક શહેરોમાં વરસાદ વરસ્યો છે.