ગાંધીનગરઃ ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેમ, ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું હતું કે, ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે ૧.૭૦ કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ ૧,૩૪૦ કરોડનો લાભ થશે. જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક ૧૦૦ યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPAના ઘટાડાને કારણે અંદાજે રૂ ૫૭ ની માસિક બચત થશે તેમ, તેમણે ઉમેર્યું હતું.