અમદાવાદઃ ગુજરાતમાં ધો-10ની રિપીટર્સની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 3 લાખથી વધારે વિદ્યાર્થીઓ પૈકી માત્ર 30 હજાર જેટલા જ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા હતા. ધો-10નું રિપીટરનું 10.04 ટકા જ પરિણામ જાહેર થયું હતું. માર્કશીટ માટે શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષે ધો-10માં રિપીટરની પરીક્ષા આપવા માટે 3.26 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યાં હતા. જે પૈકી 2.99 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દરમિયાન આજે બોર્ડ દ્વારા ધો-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 10.04 ટકા એટલે કે 30012 વિદ્યાર્થીઓ જ પાક થયાં હતા. પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનું 12.57 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે કુમારોનું 8.07 ટકા પરિણામ જાહેર થયું હતું. આ ઉપરાંત, 191 ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે ધો-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ ન હતી. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેથી રિપીટર વિદ્યાર્થીઓએ પણ માસ પ્રમોશનની માંગણી કરી હતી. જો કે, સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે, તેમણે હાઈકોર્ટમાંથી પણ કોઈ રાહત મળી ના હતી.