Site icon Revoi.in

ગુજરાતઃ સીએનજીના ભાવ વધારા વચ્ચે રિક્ષાના ન્યુનત્તમ ભાડામાં વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને પગલે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. બીજી તરફ સીએનજીના ભાવમાં પણ વધારો થતા રિક્ષા ચાલકોએ પણ ભાડામાં વધારાની માંગણી સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, દિવાળી પૂર્વે જ રાજ્ય સરકાર રિક્ષાના ન્યૂનત્તમ ભાડામાં વધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી રિક્ષા ચાલકોમાં ખુશી ફેલાઈ છે.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ હતું કે, ઈંધણના ભાવોમાં વધારો થયો છે. જેને પરિણામે ઓટોરીક્ષાના રજીસ્ટર્ડ એસોસિએશનની દ્વારા ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજુઆતો મળી હતી. જેને ધ્યાનમાં લઈને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં ભાડા વધારવાનો નિર્ણય કરાયો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે,, ન્યુનત્તમ ભાડું (મીટર ડાઉનીંગ કોસ્ટ) હાલમાં રૂપિયા 15.00 છે, તેને વધારીને ન્યુનત્તમ ભાડું રૂપિયા 18.00 કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તે જ રીતે પ્રતિ કિ.મી રનિંગ ભાડું હાલમાં રૂપિયા 10.00 છે, તેને વધારીને પ્રતિ કિ.મી રનિંગ ભાડું રૂપિયા 13.00 કરવાનું નક્કી કરાયુ છે. આ ઉપરાંત વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂપિયા 1.00  છે, તેને વધારીને એક મિનિટના રૂપિયા 1.00 કરવામાં આવેલ છે. આ ભાવ વધારો તારીખ 5 નવેમ્બર 2021 થી લાગુ પડશે તેવું મંત્રીએ જણાવ્યું હતું.