Site icon Revoi.in

ગુજરાતઃ માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂ. 6800ની સહાય ચુકવાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં બે દિવસ વરસેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચુકવવાનો નિર્ણય કરાયો છે અને સર્વેના આદેશ કરવામાં આવ્યાં છે. દરમિયાન આજે મંગળવારથી સર્વેની કવાયતને શરુ કરવામાં આવી છે. દરમિયાન ખેડૂતોને એસડીઆરએફ નિયમ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઢ રૂ. 6800ની સહાયની કરશે, તેમ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, સરકાર ખુલ્લા મનથી ખેડૂતોને પુરતી મદદ કરશે. તેમજ સર્વે બાદ જે વિગતો સામે આવશે તે પ્રમાણે સહાયની જાહેરાત કરવામાં આવશે. રાજ્યમાં જેમ બને તેમ ઝડપથી સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવે તેવા પ્રયાસો કરાશે. 33 ટકાથી વધારે નુકશાન હશે તો જ ખેડૂતને સહાય ચુકવવામાં આવશે. રાજ્યમાં બે દિવસમાં 236 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેથી કપાસ, એરંડા અને તુવેર જેવા પાસને નુકશાન થયાનું જાણવા મળે છે. તેમણે કહ્યું કે SDRF નિયમ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય આપવામાં આવશે. સરવે થયા બાદ જે વિગતો સામે આવશે તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે.

કમોસમી વરસાદની આગાહી વચ્ચે રવિવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી કારતક માસમાં અષાઢી માહોલ જામ્યો હતો. ભારે વરસાદને પગલે ખેડૂતોને પણ વ્યાપક નુકશાન થયાની ભીતિ સેવાઈ રહી હતી. જેના પરિણામે ખેડૂતો અને સહકારી આગેવાનોએ પણ ખેડૂતોને સહાય ચુકવવા માટે સરકાર સમક્ષ માંગણી કરી હતી. દરમિયાન સોમવારે ખેડૂતોને સહાય માટે સર્વેની કામગીરીના સરકારે આદેશ કર્યાં હતા.