અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉતેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે. સીએમ વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવ અનિલ મુકીમના નેતૃત્વમાં નુકશાની સામે પૂર્વવત સ્થિતી માટે આ કેન્દ્રીય સહાયની જરૂરિયાત અંગે આ આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક રજુઆતો કરી છે.
વાવાઝોડાની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકશાન સામે એન.ડી.આર.એફ.ના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્ર-મેમોરેન્ડમમાં રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નૂકશાન સામે ભારત સરકાર પાસે NDRFના ધોરણે રૂ. 9836 કરોડની સહાયની અપેક્ષા વ્યકત કરી છે.
રાજ્ય સરકારે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલા વાવાઝોડા કરતાં આ તાઉતે વાવાઝોડું વિકરાળ અને વિનાશક વાવાઝોડું હતું. એટલું જ નહિ, ગુજરાત પર ત્રાટકેલા આ વાવાઝોડાની તિવ્રતા એટલી હતી કે, વાવાઝોડાના પાછળના ભાગે પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, આવશ્યક ચીજવસ્તુઓ પાણી, વીજળી, રસ્તા, મોબાઇલ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકશાન પહોચાડયું છે. 220 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન સાથેના આ તિવ્ર વાવાઝોડાએ બાગાયતી પાકોના વૃક્ષો અને ખેતી પાકોના ઝાડ-વૃક્ષ મૂળ સાથે ઉખેડી નાખ્યા છે. સમગ્ર જનજીવનને પણ અસર પહોચાડી છે. તેમ આ મેમોરેન્ડમમાં ખેતીવાડી-બાગાયતી ક્ષેત્રના નુકશાનમાંથી પૂર્વવત થવા કેન્દ્રીય સહાયની જરૂરિયાત રાજ્ય સરકારને રહેશે તેવી રજુઆત કરતાં જણાવવામાં આવ્યું છે.