Site icon Revoi.in

ગુજરાતઃ કેસર કેરીના ઉત્પાદનમાં 40 ટકાનો ઘટાડો, 5 દિવસમાં એક લાખથી વધુ બોક્સનું જૂનાગઢ યાર્ડમાં વેચાણ

Social Share

અમદાવાદઃ હાલ ઉનાળાની કાળઝાળ ગરમી મચ્ચે સમગ્ર રાજ્યમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચુક્યું છે અને કેરી રસિયાઓ કેરીનો સ્વાદ માંણી રહ્યાં છે. ભારત સહિત સમગ્ર દુનિયાના પ્રખ્યાત કેસર કેરી પણ માર્કેટમાં આવી ચુકી છે અને લોકો ખરીદી કરી રહ્યાં છે. જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કેસર કેરીનો ભારે દબદબો ચાલી રહ્યો છે, છેલ્લા પાંચેક દિવસથી લગભગ એકાદ લાખ જેટલી કેરીના બોક્સનું માર્કેટિંગ યાર્ડમાં વેચાણ થયું છે.

ફળોના રાજા એવી કેસર કેરીના 10 કિલોના એક બોક્સ ના ભાવ હાલમાં 800 થી લઈને 1400 રૂપિયા સુધી ચાલી રહ્યા છે. હવે વરસાદના દિવસો આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ ભીમ અગિયારસ આવી રહી છે. એટલે સાદી ભાષામાં કહીએ તો કેરીની સીઝન પુરી થવાને આરે છે. બીજી બાજુ પહેલા વરસાદની આગાહીકારો દ્વારા આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે આંબે દાણા બેસી ગયેલા કેરીઓને વેડી, ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની કેરી જુનાગઢ યાર્ડ ખાતે લાવી રહ્યા છે. આ સિવાય અન્ય વેપારી, દલાલો અને ખેડૂતો મારફતે અંદાજે પાંચ લાખ કરતા વધુ બોક્સના વેચાણ થયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

છેલ્લા એકાદ અઠવાડિયાથી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકનું પ્રમાણ વધ્યું છે અને હવે 20 ટકા જેટલી કેરી આંબે છે, દરમિયાન ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષે તાઉતે વાવાઝોડાના કારણે અનેક આંબાઓ ધરાશાયી થઇ જવા પામ્યા છે, અને આંબામાં આવતા મોર અને કેરીના પાકને પણ આ વખતના વિચિત્ર અને અનિયમિત વાતાવરણના કારણે નુકસાન થવા પામ્યું છે. વંથલી પંથકમાં ઈયળનો ઉપદ્રવ વધતા વંથલી પંથકમાં અનેક ભાગોમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. અને દર વર્ષે જે ઉત્પાદન થાય છે તેના કરતા આ વર્ષે 40 ટકા જેટલું ઓછું ઉત્પાદન થયું હોવાનું જાણવા મળે છે.