અમદાવાદઃ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આર્થિક રીતે સધ્ધર બનાવી સ્વરોજગાર મેળવે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા 1487 લાભાર્થીઓને રૂા. 39.25 કરોડનું ધિરાણ કરવા માટે ઓનલાઇન ડ્રો કરવામાં આવેલ છે. તેમ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારએ જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ધિરાણ ઓનલાઇન ડ્રો દ્વારા ઉપલબ્ધ કરાવ્યા બાદ મંત્રી પરમારે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગાર સહિત રોજગારી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને અનેકવિધ પગલાં લીધાં છે. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન તથા ભારત સરકારના NSFDC નવી દિલ્હીની સહયોગી યોજનાઓમાં ટ્રેક્ટર ટોલી યોજનામાં 65 લાભાર્થીઓને રૂા 4.63 કરોડ, મોબાઇલ ફુડકોર્ટવાન યોજનામાં 21 લાભાર્થીઓને રૂા. 1.27 કરોડ, નાના પાયાની યોજનાઓમાં 32 લાભાર્થીઓને રૂા. 0.30 કરોડ, માલ વાહક ફોર વ્હીલર યોજનામાં 41 લાભાર્થીઓને રૂા. 2.40 કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં 79 લાભાર્થીઓને રૂા. 4.67 કરોડ અને થ્રી વ્હીલર યોજનામાં 337 લાભાર્થીઓને રૂા. 8.16 કરોડ એમ મળીને કુલ ૨કમ રૂા. 21.44 કરોડના ધિરાણ માટે કુલ 575 લાભાર્થીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર સહાયિત યોજનાઓમાં નાના પાયાની યોજનામાં 589 લાભાર્થીઓને રૂા. 8.77 કરોડ, મારૂતી સુઝુકી ઇકો યોજનામાં 43 લાભાર્થીઓને રૂા. 2.04 કરોડ તેમજ થ્રી વ્હીલરની યોજનાઓમાં 280 લાભાર્થીઓને રૂા. 7 કરોડ મળી કુલ રકમ રૂા. 17.82 કરોડના ધિરાણ માટે કુલ 912 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ બન્ને યોજનાઓમાં કુલ 1487 લાભાર્થીઓને કુલ રકમ રૂા. 39.25 કરોડનું ધિરાણ કરવા માટે ડ્રો કરવામાં આવ્યો છે.