Site icon Revoi.in

ગુજરાતમાં કાળઝાળ ગરમી, ઓરેન્જ એલર્ટ, તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી જતા છેલ્લા 10 વર્ષનો ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. હજુ મે મહિનો તો બાકી છે, ત્યારે આગમી દિવસોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી જાય તો નવાઈ નહી કહેવાય. શનિવારે કંડલા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી અને વડોદરામાં રેકર્ડબ્રેક તાપમાન નોંધાયું હતું. લોકોને ગરમીથી બચવા માટે કામ વિના બહાર ન નિકળવા તંત્રએ લોકોને અપિલ કરી છે.

એપ્રિલ મહિનામાં પડી રહેલી કાળઝાળ ગરમી ગુજરાતમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગુજરાતમાં 45 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ગરમી નોંધાઈ છે. 10 વર્ષ બાદ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં 45 ડિગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો હતો. કંડલા એરપોર્ટ પર સતત બીજા દિવસે તાપમાન 45 ડિગ્રીથી વધુ અને અમદાવાદ સહિત રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને વટાવી ગયો હતો.  આગામી બે દિવસ માટે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે. વર્ષ-2012થી લઈને 2021 સુધી એપ્રિલ માસમાં અમદાવાદ શહેરમાં 44 ડિગ્રીએ ગરમી પહોચી નહોતી. પરંતુ આ વખતે 44 ડિગ્રીને પાર થઈ છે. એપ્રિલમાં સૌથી વધુ ગરમી પડવાનો રેકોર્ડ વર્ષ 1958ની 27મી એપ્રિલે રચાયો હતો. તે દિવસે 46.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

ગુજરાતમાં આજે અને કાલે કાળઝાળ ગરમી પડશે. બે દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. આજે અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ અલર્ટ અપાયુ છે. તો મોરબી, જૂનાગઢ અને કચ્છમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયુ છે.

અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું હોવા છતાં મ્યુનિએ જુદા જુદા જુદા સ્થળોએ પાણી મુકવા કે ORS પેકેટ્સની વ્યવસ્થા નથી કરી. કોરોના પહેલા દર વખતે મ્યુનિ. દ્વારા ઉનાળામાં કોઈને તકલીફ ન થાય તે માટે ORS, પાણી વગેરે જેવી વ્યવસ્થા કરતી હતી. હવે ઉનાળો પૂરો થવામાં બે મહીના જ બાકી છે, ત્યારે મ્યુનિ. હજુ તો એક્શન પ્લાન ઘડી રહી છે તેની સામે શહેરમાં ગરમીનું પ્રમાણ વધતા હિટ સ્ટ્રોક અને રોટા વાયરસ જેવા કેસ વધ્યા છે. હાલ ક્લિનિકમાં દૈનિક 10 થી 15 કેસ હિટસ્ટ્રોક અને રોટા વાયરસના આવી રહ્યા છે. હિટ સ્ટ્રોક અને રોટા વાયરસથી લોકોને ઝાડા ઉલ્ટી અને હળવા તાવની સમસ્યા જોવા મળી રહી છે. રોટા વાયરસ ચેપી બીમારી છે, હાઈજેનિક ઉપર ધ્યાન ન આપવામાં આવે તો બીમારી બીજાને થઇ શકે છે. એવામાં લિક્વીડ લેવું હિતાવહ છે. ઉલ્ટી થાય તો પણ લિક્વીડ લેવું જરૂરી છે.