અમદાવાદઃ દેશમાં દર વર્ષે અનેક લોકો અંગદાનના અભાવે મૃત્યુ પામે છે. જો કે, દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં જાગૃતિ આવી છે અને મોટી સંખ્યામાં લોકો અંગદાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. ગુજરાત સમગ્ર દેશમાં અંગદાન મામલે અગ્રેસર હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન રાજ્યમાં બે દાયકાથી અંગદાન માટે જનજાગૃતિ ફેલાવતી સુરતની સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા સમાજમાં અંગદાનનું મહત્વ સમજાવવા બનાવેલી શોર્ટ ફિલ્મ KAAYA-THE MISSION OF LIFEને તમિલનાડુમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024માં BEST SOCIAL AWARENESS SHORT FILMનો પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
દેશમાં નાના બાળકોના અંગોના દાનનું પ્રમાણ ખુબ જ ઓછું છે. જેથી ડોનેટ લાઈફ દ્વારા શોર્ટ KAAYA-THE MISSION OF LIFEના મારફતે નાના બાળકોને અંગોની જરુરીયાત છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ શોર્ટ ફિલ્મ એક સત્યઘટના ઉપરથી બનાવવામાં આવી હતી. સપ્ટેમ્બર 2017માં સુરતથી 14 મહિનાના બાળકના હ્રદયની સાથે અન્ય અંગોનું દાન કરવામાં આવ્યું હતું. બાળકના હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં એક સાડા ત્રણ વર્ષની બાળકીમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના દેશમાં સૌથી નાની ઉંમરના બાળકના હ્રદયદાન અને સૌથી નાની ઉંમરની બાળકીમાં હ્રદય ટ્રાન્સપ્લાટની ઘટના છે. દક્ષિણ ગુજરાતની સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા કુલ 1205થી વધારે અંગો ને ટીસ્યુઓનું દાન કરવામાં મદદ કરવામાં આવી છે. જેનાથી અનેક વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.