અમદાવાદઃ ગુજરાત સમગ્ર દેશમાં વપરાતી વ્યક્તિદીઠ વીજળી કરતા ડબલ વપરાશ કરે છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં જેમ કે ખેતી, ઉદ્યોગ વગેરેમાં ખૂબ જ સારો વિકાસ કર્યો છે. સોલાર ક્ષેત્રમાં પણ ગુજરાત દેશની ૮૨% સોલાર રૂફ્ટોપ ધરાવે છે. એકંદરે ગુજરાતનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે. આ સબ સ્ટેશનથી ડીમ લાઈટ, વીજકાપનો કોઈ પ્રશ્ન રહ્યો નથી. તેમ રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
વલસાડના પારડી તાલુકાના સુખલાવ ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા નિર્મિત સુખલાવ 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે આસપાસના 8 કિમી સુધીના વિસ્તારમાં આવેલા કુલ 8 ગામના 9173 વીજ ગ્રાહકોને હવે ગુણવત્તાસભર વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક કાર્યમાં વીજળીની જરૂર પડે જ છે તેથી વીજળી જનજીવનનું અગત્યનું પરિબળ છે.ત્યારે ગુજરાત સમગ્ર દેશમાં વપરાતી વ્યક્તિદીઠ વીજળી કરતા ડબલ વપરાશ કરે છે. જેથી એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતે દરેક ક્ષેત્રમાં જેમ કે ખેતી, ઉદ્યોગ વગેરેમાં ખૂબ જ સારો વિકાસ કર્યો છે. ગુજરાત સરકારે આ બજેટમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે માટે રૂ.1600 કરોડની ફાળવણી કરી છે.
સુખલાવ સબ સ્ટેશન રૂ. 10.40 કરોડના ખર્ચે બન્યું છે. રાજ્ય સરકારની ટ્રાઈબલ એરિયા સબ પ્લાન્ટ ગ્રાંટ હેઠળ પછાત વિસ્તારમાં મુડી રોકાણના વળતરને ધ્યાનમાં લીધા વિના માત્ર આ વિસ્તારમાં રહેતા લોકોના વિકાસ અર્થે સબ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે. આ સબ સ્ટેશનમાં 11 કેવી ના કુલ પાંચ ફીડરો સ્થાપિત થશે જેના દ્વારા સુખલાવ, બાલદા, વેલપરવા, પારડી, સુખેશ, કુંભારીયા, બોરલાઈ, સોંઢલવાડા સહિત કુલ 8 ગામોના રહેણાંકના 7684, વાણીજ્ય 1028, ઔધોગિક 23, પાણી પૂરવઠા 54, સ્ટ્રીટલાઇટ 55, ખેતીવાડી 325 અને 4એચ. ટી. લાઈન મળી કુલ 9173 વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે.