ગુજરાતઃ આગામી સોમવારથી નૈઋત્યનું ચોમાસું વધારે પ્રભાવક બનશે
અમદાવાદઃ ગુજરાતમાં ગત રવિવારથી ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળો ઉપર વરસાદ વરસ્યો છે. જો કે, હજુ સુધી રાજ્યમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. જો કે, આગામી સોમવારેથી સમગ્ર રાજ્યમાં જમાવટ કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સારુ રહેવાની આશા વ્યક્ત થઈ રહી છે.
ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના ગુજરાતના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, નૈઋત્યનું ચોમાસું હવે આગામી સોમવારથી વધુ પ્રભાવક બનશે અને સોમવારે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં અને મંગળવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નૈઋત્યનું ચોમાસુ વધુ વેગવંતું બનશે. ગુજરાતમાં 20થી 22 જૂન દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી ભેજવાળા સાઉથ-વેસ્ટરલી પવન ફૂકાવાનું શરૂ થયું છે અને અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે. આ ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન ઉભુ થયું છે.આ તમામ સિસ્ટમના કારણે નૈઋત્યનું ચોમાસુ વધુ મજબૂત બન્યું છે.
ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂન બાદ વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થાય થાય છે, જો કે, આ વર્ષે ત્રણેક દિવસ પહેલા જ રાજ્યમાં ચોમાસાનું આગમન થયું છે અને રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે ગુજરાતમાં ચોમાસુ સારુ રહેવાની આગાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ ખેડૂતોએ પણ ખરીફ પાકોની વાવણી શરૂ કરી છે.