ગુજરાતઃ SSC ધોરણ 10 નું પરિણામ આજે જાહેર થશે
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા SSC ધોરણ 10 નું પરિણામ ગુરુવારે વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષાઓ 14મી માર્ચ થી 28મી માર્ચ દરમિયાન રાજ્યભરના લગભગ 8 લાખ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓએ સત્તાવાર પોર્ટલમાં તેમનો સીટ નંબર દાખલ કરતાં પરિણામ મળશે. પરિણામમાં ગુણ, ગ્રેડ અને લાયકાતની સ્થિતિ જેવી તમામ મહત્વપૂર્ણ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવશે. તેમાં માત્ર કામચલાઉ માર્કશીટ જ અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ધોરણ 10 ના પરિણામની મૂળ માર્કશીટ સંબંધિત શાળા અથવા કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ ધો-12 વિજ્ઞાનપ્રવાહનું લગભગ 65 ટકાથી વધારે પરિણામ જાહેર થયું હતું. રાજ્યમાં સામાન્ય રીતે ધો-12 વિજ્ઞાન પ્રવાહ બાદ ધો-12 અને ધો-10ની પરિક્ષાનું પરિણામ જાહેર થાય છે. જો કે, આ વર્ષે ધો-12 સામાન્ય પ્રવાહ પહેલા ધો-10નું પરિણામ જાહેર કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં ધો-12નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. ગુરુવારે ધો-10નું પરિણામ જાહેર થયા બાદ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં માર્કશીટ આપવામાં આવશે. તેમજ ધો-11માં પ્રવેશની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં ચાલુ વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલી ધો-10 અને 12ની પરીક્ષામાં ગેરરિતી અટકાવવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.