અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર રાજ્યમાં આ વખતે પ્રથમ વખત ફેબ્રુઆરી માસથી જ શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધો.10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચના રોજ પરીક્ષા પૂર્ણ થશે. બોર્ડ દ્વારા લેવાનારી ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા 10 માર્ચના રોજ પૂર્ણ થશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચના રોજ પૂર્ણ થશે. આ વખતે માર્ચના મધ્યમાં જ પરીક્ષા પૂર્ણ થઈ જશે. જેથી બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ વહેલુ જાહેર કરવામાં મદદ મળશે. શિક્ષણ બોર્ડ દ્વારા હવેથી ધો.10 અને 12ની તમામ વિષયોની પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી તૈયારીનો સમય મળી રહે તે માટે વહેલી પરીક્ષા યોજવામાં આવી હોવાનું પણ કહેવાય છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. દરવર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા માર્ચ માસમાં શરૂ કરવામાં આવે છે અને માર્ચમાં જ પરીક્ષા પૂર્ણ થાય છે. બોર્ડ દ્વારા પરીક્ષા માટે 15 દિવસ ફાળવવામાં આવતા હોય છે. જોકે, શિક્ષણ બોર્ડ દ્વારા ગતવર્ષે ધો.12 સાયન્સમાં તમામ વિષયની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ હવે આગામી પરીક્ષાથી ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી પૂરક પરીક્ષા વહેલી યોજી શકાય તે માટે બોર્ડની મુખ્ય પરીક્ષા વહેલી યોજવાનું નક્કી કર્યું છે. જે મુજબ ધો.10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે.
ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા 27 ફેબ્રુઆરીના રોજ શરૂ થશે અને 10 માર્ચના રોજ પૂર્ણ થશે. આ બંને ધોરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીનો પૂરતો સમય મળી રહે તે માટે બે પેપર વચ્ચે એક દિવસનો ગેપ રાખવામાં આવ્યો છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં વિષયોની સંખ્યા વધુ હોવાથી દરેક પેપર વચ્ચે ગેપ રાખી શકાય તેમ ન હોવાથી મહત્વના વિષયો વચ્ચે ગેપ રખાયો છે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચના રોજ પૂર્ણ થશે. ધો.10 અને 12 સાયન્સની સાથે સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષા પણ 10 માર્ચના રોજ પૂર્ણ થશે.
- ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ 23 માર્ચે લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી – ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ 23 માર્ચના રોજ લેવાનો નિર્ણય કર્યો છે. 13 માર્ચના રોજ શિક્ષણ બોર્ડની પરીક્ષા પુર્ણ થયાના 10 દિવસ બાદ 23 માર્ચના રોજ ગુજકેટ લેવામાં આવશે. ગુજકેટ આ વખતે પણ જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે જ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરી છે. જોકે, ગુજકેટ માટે ઓનલાઈન આવેદનપત્રો ભરવાની કાર્યવાહી હવે પછી શરૂ થશે, જે અંગે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ ફરજયાત કરવામાં આવી છે. જેના પગલે આગામી વર્ષમાં ઈજનેરી- ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટ 23 માર્ચ, 2025 રવિવારના રોજ લેવાનો નિર્ણય બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજકેટના આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ તથા માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે તે અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. ગુજકેટ 23 માર્ચના રોજ સવારે 10 કલાકથી બપોરના 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.ગુજકેટ માટે NCERT આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલો પ્રવર્તમાન અભ્યાસક્રમ પરીક્ષા માટે રહેશે. ગુજકેટમાં બહુવિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે 40 પ્રશ્નો ભૌતિક વિજ્ઞાન અને 40 પ્રશ્નો રસાયણ વિજ્ઞાનના એમ કુલ 80 પ્રશ્નો રહેશે. આ પ્રશ્નોના 80 ગુણ હશે અને પેપર લખવા માટે 120 મિનિટનો સમય અપાશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. ગુજકેટ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં જ આપવામાં આવશે.
- ધો.10ની પરીક્ષાનો કાર્યક્રમ
તારીખ વિષય
27 ફેબ્રુ. પ્રથમ ભાષા
1 માર્ચ સ્ટાન્ડર્ડ ગણિત – બેઝિક ગણિત
3 માર્ચ સામાજિક વિજ્ઞાન
5 માર્ચ અંગ્રેજી (દ્વિતીય ભાષા)
6 માર્ચ ગુજરાતી (દ્વિતીય ભાષા)
8 માર્ચ વિજ્ઞાન
10 માર્ચ દ્વિતીય ભાષા, વોકેશનલ વિષય
- ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા
તારીખ વિષય
27 ફેબ્રુ. ભૌતિક વિજ્ઞાન
1 માર્ચ રસાયણ વિજ્ઞાન
3 માર્ચ જીવ વિજ્ઞાન
5 માર્ચ ગણિત
7 માર્ચ અંગ્રેજી (પ્રથમ અને દ્વિતીય ભાષા)
10 માર્ચ પ્રથમ ભાષા, દ્વિતીય ભાષા અને કમ્પ્યુટર
- ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા
તારીખ વિષય
27 ફેબ્રુ. અર્થશાસ્ત્ર
28 ફેબ્રુ. તત્ત્વજ્ઞાન
1 માર્ચ વાણિજ્ય વ્યવસ્થા
3 માર્ચ મનોવિજ્ઞાન
4 માર્ચ ઈતિહાસ, નામાના મુળતત્વો
5 માર્ચ સમાજશાસ્ત્ર
6 માર્ચ ગુજરાતી (દ્વિતીય ભાષા), અંગ્રેજી (દ્વિતીય ભાષા)
7 માર્ચ ભુગોળ, આંકડાશાસ્ત્ર
8 માર્ચ પ્રથમ ભાષા
10 માર્ચ હિન્દી (દ્વિતીય ભાષા)
11 માર્ચ રાજ્યશાસ્ત્ર, સેક્રેટરીયલ પ્રેક્ટિસ
12 માર્ચ સામાજિક વિજ્ઞાન, કમ્પ્યુટર
13 માર્ચ સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત