અમદાવાદઃ રાજ્યમાં પરિવહન સેવામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા એસટી બસના રૂટમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં સમયાંતરે નવી બસો પણ એસટી વિભાગમાં જોડવામાં આવે છે. દરમિયાન આજે એસટી વિભાગને વધુ 40 નવી બસ મળી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આગામી એક વર્ષમાં નવા બે હજાર બસો જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત UPIથી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ પ્રારંભ કરાયો. આગામી દિવસોમાં એસટીને નવા 2 હજાર યુપીઆઈ મશીન ફાળવવામાં આવશે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે એસટી નિગમને વધુ 40 બસ મળી છે. જે અનુસાર અમદાવાદ વિભાગને 15, મહેસાણાને 7, બરોડાને 10, ગોધરાને 6 અને ભરૂચ ડેપોને 2 બસ ફાળવવામાં આવી છે. દરમિયાન વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્ય છેલ્લા 1 વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો સામેલ થઇ છે. આગામી એક વર્ષમાં વધુ 2 હજાર બસો લાવવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમને સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા પણ મળશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. જેથી હવે સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. આ સાથે તેમણે કહ્યું કે, ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારાશે.