Site icon Revoi.in

ગુજરાત એસટીએ દિવાળીના રજાઓમાં 5.93 કરોડની કમાણી કરી

Social Share

અમદાવાદઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર (એસટી) નિગમ દ્વારા દિવાળીના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. તારીખ 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધીમાં એટલે કે 5 દિવસમાં એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ શહેરોની કુલ 6617 એકસ્ટ્રા ટ્રીપો દોડાવવામાં આવી હતી. જેનો 3.19 લાખ મુસાફરોએ લાભ લીધો હતો. આ બસોની ટ્રીપથી એસ.ટી. વિભાગની પાંચ દિવસમાં રૂપિયા 5.93 કરોડની કમાણી થઈ હતી.

ગુજરાત એસટી નિગમના અમદાવાદ, રાજકોટ, સુરત, સહિત વિવિધ ડિવિઝનો દ્વારા દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે 6617 એક્સ્ટ્રા બસોની ટ્રીપ દોડવામાં આવી હતી. જેમાં સુરત એસ.ટી. ડિવિઝન દ્વારા વિવિધ શહેરોની 1359 એક્સ્ટ્રા ટ્રીપો લગાવવામાં આવી હતી, જેમાં 86,599 મુસાફરોએ મુસાફરી કરી હતી અને તેનાથી સુરત એસ.ટી. વિભાગને કુલ 2.57 કરોડની આવક નોંધાઈ છે, જે સૌથી વધુ છે. જ્યારે રાજકોટથી એક્સ્ટ્રા 100 બસ થકી 454 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેના થકી રૂ. 36 લાખની આવક થઈ હતી. 21,000 મુસાફરોએ રાજકોટની એક્સ્ટ્રા એસ.ટી. બસોનો લાભ લીધો હતો. વડોદરા એસ.ટી. વિભાગે 50થી વધુ બસ દોડાવી હતી, જેમાં 18 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી અને દિવાળીમાં કુલ રૂ. 26.44 લાખની આવક થઈ હતી.

એસટી નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત એસ.ટી. વિભાગને ચાલુ વર્ષે પણ દિવાળી ફળી છે. દિવાળી પહેલા દોડાવાયેલી એક્સ્ટ્રા બસને કારણે સુરત એસ.ટી.ની તિજોરી છલકાઈ ગઈ હતી. 26મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી 1359 બસની ટ્રીપો દોડાવી 2.56 કરોડ રૂપિયાની આવક કરી હતી. સૌથી વધુ 419 ટ્રિપ ઝાલોદ અને બીજા ક્રમે 224 ટ્રિપ દાહોદની દોડાવાઈ છે. જ્યારે ગ્રૂપ બુકિંગની 292 બસ પણ દોડાવવામાં આવી હતી. છેલ્લા પાંચ દિવસથી આ બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા છે. ગતરોજ એક જ દિવસમાં 500થી વધુ બસ એસ.ટી. વિભાગ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેમાં 41,000થી વધુ લોકો પોતાના વતન પહોંચ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં 1359 જેટલી વધુ બસ 5.17 લાખ કિમી દોડાવવાથી સુરત એસ.ટી. વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ છે.

સુરત એસ.ટી. વિભાગે એસ.ટી. આપના દ્વારે યોજના અંતર્ગત ગ્રૂપ બુકિંગ થકી સુરતથી સોસાયટીમાંથી બેસાડી વતનના ગામ સુધી મુસાફરોને પહોંચાડવાનો આરંભ કરાયો ત્યારથી મુસાફરોએ આ સેવાનો જબરદસ્ત લાભ લીધો હતો.. આ વખત ગ્રૂપ બુકિંગમાં 292 બસનું બુકિંગ થયું હતું. આમ ગ્રૂપ બુકિંગ થકી 60 લાખ રૂપિયાની આવક થઈ હતી. જયારે દાહોદ અને ઝાલોદ તરફ એડવાન્સ બુકિંગ વગર પાંચ દિવસમાં 34 હજાર જેટલા લોકો ગયા છે. દાહોદ-ઝાલોદ તરફની બસ જેમ જેમ ભરાતી ગઈ તેમ તેમ નવી બસ ઉપાડવામાં આવી હતી.

આ ઉપરાંત રાજકોટ એસ.ટી. વિભાગે પ્રવાસી ટ્રાફિકના ધસારાને ધ્યાનમાં રાખી રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ એક્સ્ટ્રા બસો થકી રૂ. 36 લાખની આવક થઈ હતી. જોકે, એક્સ્ટ્રા બસોમાં મુસાફરોએ મૂળ ભાડાથી સવા ગણું વધુ ભાડું ચૂકવવું પડયુ હતું. જેમાં રાજકોટથી પંચમહાલ, દાહોદ, અમદાવાદ રૂટ પર મુસાફરોની વધુ ભીડ જોવા મળી હતી. ભાઈબીજના દિવસે રાજકોટ વોલ્વો ડેપોની પ્રીમિયમ સર્વિસ દ્વારા અનોખો રેકૉર્ડ બનાવવામાં આવ્યો છે.