ગુજરાતઃ દિવાળીના તહેવાર નિમિત્તે 15 દિવસમાં ST નિગમની 107 નવી બસ રોડ ઉપર દોડતી કરાઈ
ગાંધીનગરઃ અમદાવાદના રાણીપ ખાતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ની નવીન 47 બસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દરમિયાન 15 દિવસમાં જીએસઆરટીસીની 107 નવી બસો ફાળવવામાં આવી છે. એસ.ટી. નિગમ દ્વારા વિવિધ તહેવાર અને ધાર્મિક મેળાઓમાં વધારાની એસ. ટી. બસોનું સંચાલન કરવામાં આવે છે ત્યારે આ લોકાર્પિત નવીન બસો લોકોને પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા પરિવહન સેવા પૂરી પાડશે અને વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બસો પ્રજાની સેવામાં સહભાગી બનશે, તેમ હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું.
એસ. ટી. નિગમ દ્વારા માત્ર 10 દિવસના સમયગાળામાં 101 નવીન બસો સંચાલનમાં મૂકવાના નિર્ધારિત લક્ષ્યાંક સામે અંદાજિત કિંમત રૂ. 40 કરોડથી વધુની 107 નવીન બસો સમગ્ર રાજ્યમાં લોકર્પિત કરવામાં આવી છે. અગાઉ 3 નવેમ્બરના રોજ શંખેશ્વર ખાતે 15 બસો, 5 નવેમ્બરે સુરત ખાતે 20 બસો તથા 8 નવેમ્બરના રોજ ગાંધીનગર ખાતેથી 25 નવીનતમ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવીન બસોમાં દરેક સ્લીપર બસની કિંમત રૂ. 42 લાખ તથા સુપર એક્સપ્રેસ બસની કિંમત રૂ. 38 લાખ છે.
ગુજરાતમાં પરિવહન સેવામાં વધારો કરવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. જેથી એસટી નિગમ દ્વારા નવા રૂટ ઉપર પણ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વધારાની 2000થી વધારે બસો દોડાવવામાં આવી રહી છે. જેથી પોતાના ગામ દિવાળીની ઉજવણી કરવા જઈ રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો ના પડે.