અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ આજે વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. આ બજેટ પ્રજાલક્ષી અને રાજ્યના વિકાસને વધારે વેગવંતુ બનાવનાર હોવાનું નીતિન પટેલે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યનું 2021-2022નું અંદાજપત્ર રજૂ કરતા પૂર્વે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતનું અંદાજપત્ર વિકાસયાત્રાને વધુ વેગવાન બનાવનારુ હશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પ્રજાએ ભાજપ ઉપર વિશ્વાસ મુકીને જીત અપાવ્યા બાદ, સરકાર અને ભાજપની જવાબદારી પ્રજા પ્રત્યે વધી જાય છે. આથી આ બજેટ પ્રજાકલ્યાણને અનુલક્ષીને પ્રજાલક્ષી હશે તેમ કહ્યું. તેમજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓ વિસ્તૃત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. 1લી માર્ચથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન બાદ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલ સહિતના સદગતોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. જ્યારે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હોવાથી વિધાનસભાની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.