Site icon Revoi.in

ગુજરાતઃ 32 નગરપાલિકામાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન બનશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 32 નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે..

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે આણંદ નગરપાલિકાને રૂ. 6.30 કરોડ, નડિયાદ નગરપાલિકાને રૂ. 6.22 કરોડ, ગોધરા નગરપાલિકાને રૂ. 5.94 કરોડ અને અમરેલી નગરપાલિકાને રૂ. 5.12 કરોડ મળીને કુલ 23.58 કરોડ રૂપિયા મોડેલ ફાયર સ્ટેશન્સના નિર્માણ માટે મંજૂર કર્યા છે.

આ મોડેલ ફાયર સ્ટેશન્સ 5100 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થશે. અંદાજે 2500ચો.મીટર જગ્યા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ માટે રાખીને અન્ય જગ્યા મોકડ્રીલ અને ફાયર સાધનો રાખવા માટે ઉપયોગમાં લેવાશે. નગરપાલિકાઓના આ મોડેલ ફાયર સ્ટેશનોમાં વોટર બ્રાઉઝર, ફાયર ફાઇટર, બૂલેટ ફાયર જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ રહેશે.

શહેરી વિકાસ વિભાગે રાજ્યના 32 જિલ્લાઓમાં 32 નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા 32 વિભાગીય કચેરીઓ નિયત કરેલી છે.

નાણાંકીય વર્ષ 2022-23માં જિલ્લા કક્ષાના વડામથક ખાતેની 16 નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ રૂ. 5.14 કરોડ પ્રમાણે 82.24 કરોડની સૈદ્ધાંતિક અનૂમિત મળેલી છે. એટલું જ નહિ, 2022-23ના બજેટમાં ફાયર સ્ટેશન દીઠ રૂપિયા 1કરોડ પ્રમાણે રૂ. 16કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે.

આ ૩ર નગરપાલિકાઓના ફાયર સ્ટેશનની સેવાઓ વધુ સંગીન બનાવવા માટે પ્રત્યેક નગરપાલિકામાં 21 કર્મયોગીઓ એમ કુલ 672 નવી જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ પર ભરતી પણ કરવામાં આવેલી છે.

(Photo- file)