ગાંધીનગરઃ જાહેર પરિવહન સેવાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે એસટી નિગમ દ્વારા 120થી વધુ વોલ્વો અને એસી બસો ભાડે લઈ તેનું સંચાલન કરવામાં આવે છે. નિગમની સ્થિતિ હાલમાં આ વોલ્વો સહિતની પ્રીમિયમ સર્વિસની બસોને કારણે દાઝ્યા પર ડામ જેવી થઈ છે. પેસેન્જરોને સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે દોડાવાતી નિગમની વોલ્વો બસો સતત ખોટ કરી રહી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓની મિલીભગતથી ચાલતી પ્રીમિયમ સર્વિસ પૂરી પાડતી બસો ખોટમાં સતત વધારો કરી રહી છે. હાલમાં વોલ્વો સહિતની પ્રીમિયમ બસોના કારણે નિગમને દરરોજના 17 લાખથી વધુ તેમજ વાર્ષિક 62 કરોડ રૂપિયા જેટલું નુકસાન થઈ રહ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એસટી નિગમને વોલ્વો બસ અને પ્રિમિયમ બસ સેવાથી ખરેખર કેટલી ખોટ થઈ રહી છે તે અંગે અધિકારીઓ સરકારને સાચી માહિતી આપતા જ ન હોય તે રીતે ખોટ સતત વધી રહી છે. નિગમ સાદી બસો ઉપરાંત વોલ્વો સીટર, વોલ્વો સ્લીપર, એસી સીટર તેમજ એસી સ્લીપર બસો દોડાવે છે. પરંતુ આ તમામ બસોને પસંદગીના રૂટ સિવાય મોટાભાગના રૂટ પર પૂરતા પેસેન્જર મળતા નથી. નિગમ ઓપરેટરને પૂરેપૂરૂ ભાડું ચૂકવે છે અને નુકસાન વેઠવાનું પોતાના ભાગે આવે છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વોલ્વો અને પ્રીમિયમ બસો ભાડે આપનારા કોન્ટ્રાક્ટર બસોનું મેન્ટેનન્સ ન કરતા હોવાથી પ્રીમિયમ સર્વિસની બસોમાં બ્રેક ડાઉનની ઘટના બને છે. ચાર મહિનામાં પ્રીમિયમ સર્વિસની બસોમાં બ્રેકડાઉનની ઘટના 340થી વધુ નોંધાઈ છે. તેની સામે નિગમની સાદી 8000થી વધુ બસોમાં ચાર મહિનામાં બ્રેકડાઉનની ફક્ત 70 જેટલી ઘટના જ નોંધાઈ છે. પ્રીમિયમ સર્વિસની બસો દ્વારા બે મહિનામાં 30 અકસ્માત પણ થયા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસટી નિગમે વોલ્વો બસ ચલાવવા એક ટૂર એન્ડ ટ્રાવેલ્સ પાસેથી કેટલીક વોલ્વો બસો અલગ અલગ સમયે ભાડે લીધી છે. 10 જેટલી બસોના કરાર ઓગસ્ટ 2021માં જ પૂર્ણ થઈ ગયા હતા. પરંતુ નિગમના અધિકારીઓની મિલીભગતથી કોઈ પણ જાતના ટેન્ડર વગર આ 10 વોલ્વો બસોને વધુ એક વર્ષ માટે ચાલુ રખાઈ છે. ભાડે લીધેલી આ બસોના કારણે નિગમને બદલે કંપનીને સમયસર પૂરેપૂરું ભાડું મળી રહેતા ફાયદો થાય છે.