અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપવા સાથે શાળા-કોલેજોમાં ઓનલાઈન શિત્રણનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ફીને લઈને વાલીઓ મુઝવણમાં મુકાયા છે, વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને સ્કૂલની એક સત્રની જ ફી લેવા માટે શાળા સંચાલકોને સુચના આપવા માટે રજૂઆત કરી છે. ઉપરાંત ધોરણ 10 અને 12ની પરીક્ષા ના યોજાઈ તે માટે વિદ્યાર્થીઓની 45 કરોડ ફી પરત આપવા માટે શિક્ષણ બોર્ડને પણ રજૂઆત કરી છે.
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જિલ્લા શિક્ષણાધિકારીને નવા સત્રની ફી અંગે રજૂઆત કરી હતી. હાલ કોરોના મહામારીનો કારણે વાલીઓના નોકરી, ધંધા, રોજગાર પર અસર પડી છે, જેના કારણે સંપૂર્ણ ફી ભરી શકાય તેવી પરિસ્થિતિ નથી. જુનિયર કેજીથી ધોરણ 3 સુધી ઓનલાઇન અને ફીઝીકલ શિક્ષણ બંધ છે ત્યારે આવા વિદ્યાર્થીઓના વાલીઓને ફી માંથી સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ. 3થી 12 ધોરણના તમામ બોર્ડની સ્કૂલો FRC નક્કી કર્યા બાદ જ એક સત્રની ફી લેવા હકદાર છે જેથી DEO દ્વારા એક સત્રની જ ફી સ્કૂલો લઈ શકે તે માટેનો ઓર્ડર આપવા માંગણી કરી છે. ધોરણ 10 અને 12માં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પરંતુ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી લેવામાં આવી હતી.પરીક્ષા જ ના યોજાય તો વિદ્યાર્થીઓ પાસેથી લીધેલ 45 કરોડ જેટલી પરીક્ષા ફી પણ શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને પરત આપે તે માંગણી પણ ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા કરવામાં આવી છે.