Site icon Revoi.in

ગુજરાતઃ ભારે વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાની અંગે 29800 હેકટર જમીનમાં સર્વે

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી અને અનેક ગામોમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ હતી. પુરને પગલે ખેડૂતોનો પાક પણ દોવાયો હતો. દરમિયાન રાજ્યમાં પૂરગ્રસ્ત 8 જિલ્લાના 38 તાલુકામાં ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું છે. દરમિયાન સરકાર દ્વારા 29800 હેકટર જમીનમાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં તારાજી થતા તંત્રએ પાક નુકસાનીનો સરવે હાથ ધર્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરતમાં પાકને ફટકો પડ્યો છે. આ ઉપરાંત ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પાકને અસર થઈ છે. રાજ્ય સરકારની 120 ટીમે 29,800 હેક્ટર જમીનમાં પાક નુકસાનીનો સરવે પૂર્ણ કરી લીધો છે. તો વરસાદી પાણી જ્યાં ભરાયેલા છે ત્યાં ઓસર્યા બાદ પાક નુકસાની સરવે હાથ ધરાશે. આ સરવેનું કામ પૂર્ણ થયા બાદ સરકારી ધારાધોરણો પ્રમાણે સહાયની ચુકવણી કરાશે.

ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે અનેક નગરો અને ગામોમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જેના કારણે જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 207 જેટલા જળાશયોમાં 56 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લેધો હતો.