અમદાવાદઃ રાજ્યમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અમદાવાદ સહિત રાજ્યના લગભગ 30 જિલ્લામાં 2694 પરીક્ષા કેન્દ્રોમાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રી પરીક્ષાનું તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની સરખામણીએ પેપર અઘરુ હોવાનું પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું.
તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ, જેના માટે સહકાર આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર.
પરીક્ષા શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે જહેમત ઉઠાવનાર પરીક્ષા સમિતી, પરીક્ષાર્થીઓને કોઈ અગવડ ન પડે માટે સતત ખડેપગે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવનાર અને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડનાર…
— Harsh Sanghavi (@sanghaviharsh) May 7, 2023
ગુજરાતમાં આજે રવિવારે તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં ગેરરીતી ના થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી હતી. બીજી તરફ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ના પડે તે માટે ખાસ એસટી બસ દોડાવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે અને ખાનગી સ્કૂલની બસો પણ દોડાવવામાં આવી હતી. એટલું જ નહીં પરીક્ષા કેન્દ્રો ઉપર કોલલેટરની તપાસ અને ઉમેદવારના શુટિંગ બાદ જ પરીક્ષાખંડમાં અપાયો પ્રવેશ. તેમજ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.
ભૂતકાળમાં સરકારી ભરતીની પરીક્ષાના પેપર લીક થવાની ઘટના સામે આવી હતી. તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષામાં કોઈ ગેરરીતી ના થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ થઈ હતી અને સમગ્ર પ્રક્રિયા ઉપર નજર રાખવામાં આવી હતી.