ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા 15મી જુને લેવાનારી પ્રેક્ટિકલ પરીક્ષા રદ્દ
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આગામી 15મી જૂનથી તમામ ઝોનની કોલેજોમાં શરૂ થનારી થિયરીની પરીક્ષા પણ મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રાજયમાં હાલમાં બિપરજોય વાવાઝોડાના પગલે અનેક શહેરોમાં ભારે વરસાદ અને ભારે પવન ફુંકાય રહ્યો છે.
રાજ્યના હવામાન ખાતાએ આપેલી ચેતવણીને પગલે રાજય સરકાર દ્વારા સાવચેતિના અનેક પગલાં લેવાયા છે. સરકારના તમામ વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે.ત્યારે રાજયની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે જોડાયેલી ડિગ્રી ડિપ્લોમાં ઈજનેરી, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતની કોલેજોમાં 13મીએ લેવાનારી સેમેસ્ટર 6 અને 4માં પ્રેકિટકલની પરીક્ષા ઝોન 4 અને 6 એટલે કે રાજકોટ અને કચ્છમાં રદ કરાઈ છે. અન્ય ઝોનમાં પરીક્ષા લેવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર રાજયભરની કોલેજોમાં 15મી જૂનથી શરૂ થનારી થિયરીની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. સ્થગિત કરાયેલી પરીક્ષા કયારે લેવાશે. તેની સ્પષ્ટતા આગામી દિવસોમાં વેબસાઈટના માધ્યમથી કરાશે.
જીટીયુના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી 15મીએ સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે વિદ્યાર્થીઓએ હેરાનગતિ ભોગવવી ન પડે તે માટે થિયરીની પરીક્ષા સ્થગિત કરી છે. પ્રેકિટકલની પરીક્ષા યોજાવાની છે, તેવા ઈફેકટેડ એરિયામાં આવેલી કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તાકીદે જાણ કરવા પણ કોલેજોને સુચના આપી છે. વાવાઝોડા બાદ સ્થિતિ પૂર્વવત બન્યા બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારે પણ વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં શાળા-કોલેડો બંધ રાખવાની સુચના આપી છે. અને જિલ્લાના અધિકારીઓ પરિસ્થિતિને જાણીને નિર્ણય લઈ શકશે.ત્યારે જીટીયુએ પણ પરીક્ષા અંગે નિર્ણય લીધો છે.