અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના વધાતા જતાં કેસને લીધે શિક્ષણને માઠી અસર પડી રહી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાઓની આંતરિક પરીક્ષાઓ પણ મોકુફ રાખવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીથી યોજાનારી ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના કેસો વધવાથી જીટીયુની ઓફલાઈન પરીક્ષાના નિર્ણયથી વિદ્યાર્થીઓ સહમત નહોતા. આ અંગે વિદ્યાર્થીઓએ કુલપતિ સમક્ષ રજુઆત કરી હતી. ત્યાર બાદ GTU દ્વારા પરિપત્ર કરીને નિર્ણય બદલવામાં આવ્યો છે. અને તા. 20મી જાન્યુઆરીથી યોજાનારી પરીક્ષા મુલત્વી રાખવામાં આવી છે. યુનિવર્સિટીના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને રાહત મળી છે. કારણ કે રાજ્યમાં રોજ 6 હજાર જેટલા કેસ નોંધાઈ રહ્યાં હતા. આ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ સંક્રમિત થયાં છે. તે ઉપરાંત અનેક વિદ્યાર્થીઓ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી પરીક્ષા આપવા માટે આવવાના હતાં.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, જીટીયુ દ્વારા 20મી જાન્યુઆરીથી લેવાનારી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓનો વિરોધ હતો તેની સાથે NSUI દ્વારા પણ આજે જીટીયુ ખાતે ઉગ્ર પ્રદર્શન કરવાનું આયોજન હતું. જીટીયુના કુલપતિ નવીન શેઠે તાત્કાલિક નિર્ણય બદલ્યો અને કહ્યું કે કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 20 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે હવે નવી તારીખ આગામી સમયમાં પરીક્ષાના 10 દિવસ અગાઉ જાહેર કરવામાં આવશે.
જીટીયુ દ્વારા તા. 20મી જાન્યુઆરીથી લેવાનારી પરીક્ષા મોકુફ રાખવા માટે રજુઆત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કેસ વધ્યા ત્યારે ચાલુ પરીક્ષા બંધ કરી હતી. તો આ વર્ષે પણ તેનું પુનરાવર્તન થશે. જીટીયુ સરકાર પર નિર્ણય કરવાનું ઢોળે છે અને સરકાર જીટીયુ પર નિર્ણય કરવાનું ઢોળે છે. જો જીટીયુ સરકાર પર જ આધારિત હોય તો કુલપતિની જરૂર જ શું છે? આ અંગે NSUIના નેતા ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં પરીક્ષા ઓનલાઇન લેવી જોઈએ, છતાં જીટીયુ ઓફલાઇન પરીક્ષા લે અને તે દરમિયાન વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો તેની જવાબદારી જીટીયુના કુલપતિની જ રહેશે. NSUI આ મામલે જીટીયુનો ઘેરાવો કરીને ઉગ્ર વિરોધ કરશે તેવી જાહેરાત પણ કરી હતી.