ગુજરાત ટેકનોલોજી યુનિ. સંલગ્ન 270 કોલેજોમાં ઈન્પેક્શન દરમિયાન ત્રુટીઓ જણાતા નોટિસ
અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંલગ્ન ઘણીબધી કોલેજોમાં અપુરતા અધ્યાપકો અને જરૂરી સવલતો અને ઈન્ફાસ્ટ્રકચર ન હોવાની અનેકવાર ફરિયાદો ઊઠતી હોય છે. તાજેતરમાં GTU દ્વારા 427 કોલેજોનું ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું, જેમાંથી 270 કોલેજોમાં જુદાજુદા પ્રકારની અછત જણાતા, ખોટ તાત્કાલિક પૂરી કરવા નોટિસ ફટકારવામાં આવી છે. કોલેજોમાં પ્રિન્સિપલ, અધ્યાપક, લેબની સુવિધામાં ખામી ધ્યાને આવી છે. જો આ ખામી દૂર કરવામાં ન આવે તો કોલેજોને નો એડમિશન ઝોનમાં મુકવાની GTUએ ચીમકી ઉચ્ચારી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન 427 કોલેજો પાસેથી ‘સેલ્ફ ડિસ્ક્લોઝડ’ મંગાવવામાં આવ્યું હતું. સેલ્ફ ડિસ્કલોઝ્ડનાં માધ્યમથી 270 કોલેજોમાં જુદાજુદા પ્રકારની ખામીઓ સામે આવી છે. GTUની આ 270 એટલે કે 63 ટકા કોલેજોમાં ખામીઓ સામે આવી છે. જેમાં GTU હસ્તકની કેટલીક કોલેજમાં પ્રિન્સિપલ નથી, તો કેટલીક કોલેજોમાં અધ્યાપકની ઘટ છે, તેમજ અનેક કોલેજોની લેબમાં પણ ખામી છે. જે મામલે GTUની ડીન કમિટી દ્વારા કોલેજોને ખામીઓ દૂર કરવા માટે તાકીદ કરાઈ છે.
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જે પણ કોલેજમાં આવી ખામીઓ સતત હશે, તો આવી કોલેજોને ‘નો એડમિશન ઝોન’માં મુકવામાં આવશે. જો સામાન્ય ખામી હશે, જે વિભાગમાં અધ્યાપકો ઓછા હશે, તો એ વિભાગની બેઠકો ઘટાડવામાં આવશે. એટલું જ નહીં, કોલેજો આ ખામીઓ નહીં સુધારે તો 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કોલેજોને ફટકારવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બિલાડીના ટોપની જેમ એન્જિનિયરિંગ કોલેજો ફૂટી નીકળી છે. જોકે આ કોલજોમાં ક્વોલિટી એજ્યુકેશન જળવાતું નથી. કોલેજોમાં કોઈને કોઈ ખામી સામે આવી રહી છે. પરંતુ એજ્યુકેશન બાબતે કોલેજોમાં ચાલતી આ લાલીયાવાડી હવે GTU ચલાવી લેવા માંગતી નથી. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રિન્સિપાલથી લઇને અધ્યાપક, સ્ટાફ, લેબોરેટરી અને સુવિધાઓનો અભાવ છે ત્યારે નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જીટીયુએ તમામ કોલેજોને તાકીદ કરી છે. અને ઝડપથી ખામીઓ દૂર કરવા આદેશ કર્યો છે.